સુરત: જિલ્લામાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. GMERS કોલેજો દ્વારા MBBSના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેથી કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ ભેગા મળી વિરોધ દર્શાવી રહ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા GMERS કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને વધુ એક ડામ: ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અત્યાર સુધી જે ગવર્મેન્ટ ક્વોટાની ફી રૂપિયા 3.30 લાખ હતી તે વધારીને રૂપિયા 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂપિયા 9 લાખ હતી તે વધારીને રૂપિયા 17 લાખ કરી છે. જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશકય છે. એક તો આ વર્ષ દરમિયાન NEETની EXAMમાં ગેરરીતી થઈ છે. પરિણામે કટ ઓફ મેરીટ ઘણું ઉંચુ ગયુ છે. તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યારે આ ફી વધારો દાઝ્યા પર ડામ આપવાનું કામ કરે છે.
ગરીબોનો હક્ક છીનવાયો: ફી વધારાની આ ઘટના બાબતે વાલીઓએ જણાવ્યું છે કે, "એક તો આજના સમય પ્રમાણે ડોકટરોની માંગ વધી છે. ત્યારે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોકટર બનવાનો હક્ક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી, પરંતુ અમીરો માટે છે. ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોકટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે. આથી આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરાઈ છે અને ગયા વર્ષ જેટલી જ ફી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.