સુરત : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું પૂરું કરવા માટે ચોરી કરનાર એક વ્યક્તિની સુરત શહેર પોલીસે ધરપકડ કરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું જોનાર યુવકે અભ્યાસનો ખર્ચ ઉઠાવવા ચોરીને અંજામ આપ્યો હતો. શહેરના અલગ-અલગ વિસ્તારમાં પાર્ક કરાયેલી મોપેડની ડુપ્લીકેટ ચાવીઓ બનાવી તેની ડીકી ખોલી ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. આરોપી પાસેથી પોલીસને અલગ-અલગ ડુપ્લીકેટ ચાવીઓ પણ મળી આવી છે.
કોણ છે આરોપી: આરોપી આશિષ ઝા મૂળ બિહારનો વતની છે અને હાલ સુરત શહેરના ડીંડોલી વિસ્તાર ખાતે આવેલા અયોધ્યા નગર સોસાયટીમાં ભાડેના મકાનમાં રહે છે. આશિષ ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરે છે. ભવિષ્યમાં CAની પરીક્ષા પાસ કરી તે સીએ બનવા માંગતો હતો પરંતુ સુરતની અડાજણ પોલીસે તેને ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તેની આર્થિક સ્થિતિ સારી નથી. બિહારમાં તેના માતા-પિતા રહે છે અને તેઓ જે તેના અભ્યાસનો ખર્ચ પણ ઉપાડે છે. જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હાલ માતા-પિતા અભ્યાસનો ખર્ચ ઉપાડી શકે તેવી સ્થિતિ નથી જેથી તેણે ચોરીની ઘટનાઓને અંજામ આપવાની શરૂઆત કરી.
ચોરીના રવાડે ચડ્યો: અડાજણ પોલીસે જણાવ્યું હતું કે તેને અલગ-અલગ વિસ્તારોમાં પાર્ક કરાયેલા મોપેડના ડીકીમાં મુકાયેલ વસ્તુઓની ચોરી કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે ડુપ્લીકેટ ચાવીઓ પણ બનાવી હતી. બે થી ત્રણ વખત ચોરી નિષ્ફળ પણ ગઈ હતી, પરંતુ એક વખત તે ચોરીની ઘટનાને અંજામ આપવામાં સફળ પણ થયો. ફરીથી ચોરી કરવા માટે તે ડીંડોલી થી અડાજણ વિસ્તારમાં આવીને રેકી કરતો હતો. આ દરમિયાન અડાજણ પોલીસે તેની ધરપકડ કરી હતી.