બનાસકાંઠા: સરકાર દ્વારા મદદરૂપ થવા માટે શિષ્યવૃતિ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક મદદ માટેની વાતો કરવામાં આવે છે, પરંતુ આ શિષ્યવૃત્તિની સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ સહિતની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ફરજ પડતી હોય છે. ત્યારે બનાસકાંઠાના સરહદી સુઈગામના મસાલી ગામના ધોરણ 9માં અભ્યાસ કરતા આવા જ એક વિદ્યાર્થીએ કંટાળીને શિષ્યવૃત્તિનો લાભ ન જોઈતો હોવાનો પત્ર લખી નાખ્યો અને હવે તે પત્ર વાયરલ થઈ ગયો છે.
જોકે શાળાના શિક્ષકો દ્વારા બાળક દ્વારા લખવામાં આવેલા પત્ર વિશે વાલીને જાણ થાય તે કારણોસર વાલીઓના ગ્રુપમાં પત્ર મુકવામાં આવ્યો હતો. પરિણામે આ પત્ર વાયરલ થયો છે.
શિક્ષકોએ આ મુદ્દે જણાવતા કહ્યું કે, 'સરદી વિસ્તારમાં વાહનો સમયસર મળતા નથી અને શિષ્યવૃતિનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવા પડે છે ત્યારે સરકાર પણ આ પ્રક્રિયા સરળ બનાવે તે ખૂબ જરૂરી છે.'
વાઇરલ થયેલા આ પત્રના મુદ્દે વિદ્યાર્થીના પિતાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, 'બાળકને શિષ્યવૃતિનો લાભ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામ પંચાયતમાં જઈએ તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કચેરી મોકલે છે અને તાલુકા પંચાયત કચેરી શાળામાં જવાનું કહે છે ત્યારે વારંવાર ધક્કા ખાવા પડે છે જે અમને પોસાય તેમ નથી.'
અહીં ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા શિષ્યવૃત્તિ સહાય યોજના દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક મદદનો કરવાનો ઉદ્દેશ્ય ખૂબ જ સરાહનીય છે, પરંતુ શિષ્યવૃત્તિની સહાય મેળવવા માટે ડોક્યુમેન્ટ સહિતની સરકારી કચેરીઓમાં વારંવારના ધક્કા ખાવા પડતા બનાસકાંઠાના સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સહાય હાલ તો દુઃખદાયક બની છે.
આ પણ વાંચો: