સાબરકાંઠાઃ હિંમતનગરના પૃથ્વીનગરના ભાડાના મકાનમાં રહેતા અને પેસેન્જર ગાડી ચલાવી પરિવારનું ગુજરાત ચલાવનારા દીપકભાઈ પ્રણામીના દીકરી નસીબે આજે ધોરણ 10માં A1 ગ્રેડ મેળવ્યો છે. નસીબ પ્રણામીએ માત્ર 15 બાય 15ના ઘરમાં કોઈપણ પ્રકારની વિશેષ સુખ કે સવલત વિના આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણીએ આ પરિણામ કોઈપણ જાતના ટયુશન ક્લાસીસની મદદ વિના સ્વબળે મેળવ્યું છે.
99.07 પર્સેન્ટાઈલ મેળવ્યાઃ હિંમતનગરમાં સામાન્ય ડ્રાઈવરની દીકરીએ ધો.10માં A1 ગ્રેડ મેળવ્યો છે. નસીબ પ્રણામીએ A1 ગ્રેડ અને 99.07 પર્સેન્ટાઈલ મેળવીને સાબિત કરી દીધું છે કે મોટી મોટી સુવિધા અને ટ્યુશન કલાસીસની મદદ વિના પણ ઉત્તમ પરિણામ મેળવી શકાય છે. આ પરિણામ અંગે નસીબે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની વિશેષ સુખ-સગવડ વિના સતત મહેનતથી ધોરણ-10માં A1 ગ્રેડ મેળવ્યો છે તેમજ મારે આઈપીએસ અધિકારી બનવું છે.
પિતા પેસેન્જર વાહન ચાલકઃ સાબરકાંઠાના હિંમતનગરના દીપકભાઈ પ્રણામી હિંમતનગર મોડાસા વચ્ચે પેસેન્જર ગાડી ચલાવે છે. તેમની દીકરી ધોરણ-10માં હોવા છતાં તેના માટે ટ્યુશન કે ક્લાસીસ ની સગવડ કરી શક્યા ન હતા. જો કે નસીબ પ્રણામીએ ધોરણ-10ના અભ્યાસક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની સુખ-સુવિધા કે મોજ-મજા પાછળ સમય ન વેડફતા માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સિદ્ધિ મેળવી છે. નસીબ પ્રણામીએ A1 ગ્રેડ અને 99.07 પર્સેન્ટાઈલ મેળવીને સાબિત કરી દીધું છે કે મોટી મોટી સુવિધા અને ટ્યુશન કલાસીસની મદદ વિના પણ ઉત્તમ પરિણામ મેળવી શકાય છે. આજે નસીબનો પરિવાર તેના પર ગર્વ કરી રહ્યો છે.