નર્મદા : દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડિયા જ હોય છે. આ 6 વર્ષમાં કેવડિયામાં 1.50 કરોડ કરતાં પણ વધુ પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ આ વેકેશન દરમિયાન પણ રોજના 30 થી 40 હજાર પ્રવાસીઓ કેવડિયા આવે એવી તૈયારીઓ સાથે તંત્ર સજ્જ બન્યું છે.
કેવડિયામાં પ્રવાસીઓની ભીડ : આ વર્ષે પણ દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઉસફૂલ જોવા મળ્યું છે. ગઈકાલે રવિવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક જ દિવસમાં 73 હજાર પ્રવાસી નોંધાયા છે. 1 નવેમ્બરથી તમામ હોટલો, ટેન્ટ સિટી અને રો હાઉસ ફૂલ થયા છે.
ટેન્ટસિટીમાં ખાસ આકર્ષણ : ખાસ ટેન્ટસિટીમાં આ દિવાળીમાં આવતા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓને સ્પેશિયલ આદિવાસી ફૂડ પીરસવામાં આવી રહ્યું છે. ઉપરાંત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્પેશિયલ એસટી બસ સેવા : રોજના 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવતા તંત્ર દ્વારા સ્પેશિયલ એસટી બસો મુકવામાં આવી છે, જેથી પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. દિવાળી વેકેશનમાં હવે ફરવા માટે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સુવિધાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.