જુનાગઢ: રાજ્યની વડી અદાલતે વર્ષ 2016 થી લઈને 2020 સુધી ખેડૂતોને મળતા પાક વીમાને લઈને રાજ્ય સરકારને રીતસર ખખડાવી છે. સરકારે ખેડૂતો પ્રત્યે દુર્લક્ષ સેવીને ખાનગી વીમા કંપનીને ફાયદો થાય તે પ્રકારે ખેડૂતોની વાતને નજરઅંદાજ કરી હતી. આ સમગ્ર મામલામાં હાઇકોર્ટના આકરા વલણને પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલીયાએ આવકારી છે અને આગામી દિવસોમાં ખેડૂતોને પાક વીમો મળશે તેવી રાજ્યની વડી અદાલતના આદેશથી એક નવી આશાનો જન્મ થયો છે.

પાક વીમાના મુદ્દે સરકારને ટકોર: ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આજે રાજ્યની વડી અદાલતે ખેડૂતોના તરફેણમાં ચુકાદો આપીને પાક વીમાના મુદ્દે રાજ્ય સરકારની નીતિની આલોચના કરી છે. વર્ષ 2016 થી લઈને 2020 સુધી રાજ્યમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મળવાપાત્ર પાક વીમો નહીં આપીને રાજ્ય સરકારે ખેડૂતો સાથે અન્યાય કરતા હોવાથી ખેડૂતોએ રાજ્યની વડી અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા. જેમાં અદાલતે રાજ્ય સરકારને ખખડાવતા એવા નિર્દેશનો કર્યા છે કે, રાજ્ય સરકાર ખેડૂતોને નજરઅંદાજ કરી રહી છે.

વર્ષ 2016થી પાક વીમાના મુદ્દે કાયદાકીય લડત: વર્ષ 2016થી રાજ્યના ખેડૂતો પાક વીમા માટે કાયદાકીય લડત પણ લડી રહ્યા છે. 2016થી 2020ના ચાર વર્ષના સમયગાળા દરમિયાન પાક વીમા અંતર્ગત ખેડૂતોએ વિમાનુ પ્રીમિયમ ભર્યું હતું, પરંતુ પાક વીમો ન મળતા ખેડૂતોએ અનેક વખત સરકારને રજૂઆત કરી હતી. છતાં સરકારે ખેડૂતોની વાતને નજરઅંદાજ કરતા સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. જેમાં રાજ્યની વડી અદાલતે સુનાવણી કરતા ખેડૂતોની માંગ વ્યાજબી હોવાનું નિર્દેશ રાજ્યની સરકારને આપ્યો છે. આ જ પ્રકારે પાક વીમા માટે રાજ્યની વડી અદાલતે સરકારનો આ બીજી વખત ઉધડો લીધો છે.

કંપનીને બચાવવા ખેડૂતો સાથે અન્યાય: પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલીયાએ રાજ્યની સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વીમા કંપનીઓને બચાવવા માટે રાજ્યની સરકાર ખેડૂતોને પારાવાર મુશ્કેલીમાં મૂકી રહી છે. પાક વીમા માટે રાજ્ય સરકારે ટેકનિકલ કમિટી બનાવી હતી જે પણ નિયમને ઉપરવટ માનવામાં આવે છે. ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું છે તેમ છતાં રાજ્યની સરકારે ખેડૂતોને પ્રતિ એક હેક્ટરે મળવા પાત્ર 40થી 65 હજારની જગ્યા પર માત્ર મશ્કરી સમાન બે થી ત્રણ હજાર રૂપિયાની ચુકવણી કરી હતી. પરિણામે ખેડૂતોએ કાયદાકી લડતના મંડાણ કર્યા હતા. સમગ્ર મામલામાં રાજ્યના ખેતી નિયામકને પણ ખેડૂતો અને કિસાન કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ખેતી નિયામકની ઓફિસમાં રાતવાસો કરવા છતાં પણ ખેતી નિયામક ઓફિસમાં ખેડૂતોને સાંભળવા માટે આવ્યા ન હતા. આવી પરિસ્થિતિમાં રાજ્યની વડી અદાલતે રાજ્ય સરકારની એલીયન સાથે પણ ભૂતકાળમાં સરખામણી કરી છે, ત્યારે હવે રાજ્યની વડી અદાલત ખેડૂતોની તરફેણમાં સુનાવણી કરી રહી છે. જેને પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચો આવકારી રહ્યો છે અને આવનારા દિવસોમાં રાજ્યની વડી અદાલત ખેડૂતોને પાક વીમો અપાવશે તેવી આશા જીવંત બની છે.