ગાંધીનગર: ગુજરાતમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિને લઈને રાજ્ય સરકાર પર અનેક વખત સવાલો ઉઠ્યા છે. ઘણી પરીક્ષાઓ ગેરરીતિ તેમજ પેપર લીક થવાને કારણે મોકૂફ તેમજ રદ કરવી પડવાની ફરજ પડી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક (LRD) ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉમેદવારો સામે યોગ્ય પગલાં લઈને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય કર્યો છે.
લોકરક્ષક ભરતી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારો ને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) August 13, 2024
24-05-24 થી આ ઉમેદવારો 3 વર્ષ માટે દરેક સરકારી ભરતી માટે ગેરલાયક: LRD પોલીસ ભરતીની 2021 માં જાહેરાત આપી હતી. બાદ શારીરિક કસોટીમાં અને લેખિત પરીક્ષામાં ગેરરીતી થઈ હતી. ગેરરીતિને કારણે રાજ્યભરમાં હોબાળો થતા અમદાવાદ અને રાજકોટ ખાતે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. સરકારે ગેરરીતિની તપાસ કરવા માટે કમિટી બનાવી હતી. કમિટીએ સમગ્ર પ્રકરણની તપાસ કરી રિપોર્ટ સબમીટ કર્યો હતો. રિપોર્ટના આધારે સરકારે ગેરરીતી કરનાર ઉમેદવારો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. 24-05-24 થી આ ઉમેદવારો 3 વર્ષ માટે દરેક સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કેટલાક ઉમેદવારોએ કોલ લેટરમાં સમય અને તારીખ બદલી હતી.
ભોગ બનનારા વિરુદ્ધ પણ કાર્યવાહી: સરકારી ભરતીની પરીક્ષામાં અત્યાર સુધી ઉમેદવારોને લોભ લાલચ આપીને ફસાવનાર વચેટીયા અને દલાલ વિરુદ્ધ કાર્યવાહી કરતી હતી. પ્રથમ વાર ભોગ બનનારા વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઈ છે.
વેબસાઇટ પરથી માહિતી મેળવી શકે: આ તમામ ગેરલાયક જાહેર થયેલા ઉમેવારોનો યાદી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર જઈને જોઈ શકાશે. જેમાં નીચેની લિન્કનો ઉપયોગ કરી ઉમેદવારોની યાદી મેળવી શકાશે. આ યાદીમાં ઉમેદવારનું નામ તેમજ તેને કયા કસૂર માટે ગેરલાયક ગણવામાં આવ્યો છે તેની વિગત આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો: રાજ્ય સરકાર દ્વારા આજથી ત્રણ વર્ષ પહેલાં એટલે કે 2021માં લોકરક્ષક પરીક્ષા લેવામાં આવી હતી. જો કે પરીક્ષા સમયે જ ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરીક્ષા સમયે જ બે ઉમેદવાર પાસેથી મોબાઈલ તેમજ સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ ઉમેદવારોએ કોલ લેટરમાં ચેડાં કર્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે આ ગેરરીતિ મામલે કડક કાર્યવાહી કરતા કુલ 37 ઉમેદવારોને 3 વર્ષ માટે સરકારી ભરતીઓમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે સોશિયલ મીડિયા એક્સ (X) પર માહિતી આપતા લખ્યું હતું કે, 'લોકરક્ષક ભરતી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારો ને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. ઉલ્લેખનીય છેકે જે ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમના નામ લોકરક્ષક ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે.'