ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2011 થી અમલમાં આવેલ ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલિસીમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક જોગવાઇ ઉમેરવામાં આવી છે. વખતો વખતની સમીક્ષા અને હાઇકોર્ટના વિવિધ ચુકાદા સંદર્ભે હાલની પોલિસીમાં કેટલાક સુધારા કરવાની જરૂરિયાતના આધારે વિવિધ જોગવાઈ ઉમેરવામાં આવી છે. એકાઉન્ટબીલીટી એટલે કે, અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે જોગવાઇ ઉમેરવામાં આવી છે.
લીટીગેશન પોલિસીમાં નવી જોગવાઈ : ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જે કેસના ગુણદોષના આધારે મજબૂત હોય, તેમ છતાં અધિકારીની બેદરકારી કે પૂરતી માહિતી ન આપવાના કારણે જે પરિણામ આવે તેવા સંજોગોમાં અધિકારીની જવાબદારી નક્કી કરી, તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેવું આ જોગવાઇમાં સૂચન કરાયું છે.
કર્મચારીઓમાં નારાજગી : નવી જોગવાઈમાં સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈ હોવાથી કર્મચારી મંડળોમાં નારાજગી જોવા મળી છે. સચિવાલયમાં કાર્યરત કામદાર મંડળોએ મૌખિક સૂચના આપનાર નેતાઓની પણ જવાબદારી નક્કી કરવાની માંગણી કરી છે. કારણ કે કેટલાક કેસોમાં નેતાઓને મૌખિક સૂચના અને દબાણને કારણે વિલંબ થાય છે અથવા સરકારની વિરુદ્ધમાં ચુકાદાઓ આવે છે.
સ્ટેટ લીટીગેશન પોલિસીનો હેતુ : ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ ગુંજન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સ્ટેટ લીટીગેશન પોલિસીમાં સુધારા અંગેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સ્ટેટ લીટીગેશન પોલીસીનું ઘડતર 2011 માં થયું, જેનો મુખ્ય ઉદ્દેશ લોકકલ્યાણ છે. નાગરિકો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ વચ્ચે સારી રીતે સુમેળભર્યું વાતાવરણ ઊભું થાય અને બિનજરૂરી કેસોનું સારી રીતે નિરાકરણ આવી શકે તે હેતુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.
કર્મચારીઓ પર નેતાઓનું દબાણ ? નવી જોગવાઈ અનુસાર કેસ દરમિયાન કાયદાકીય પ્રક્રિયામાં જો કોઈ વિલંબ થાય તો કર્મચારીઓ અને અધિકારીઓ વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હું ETV Bharat ના માધ્યમથી કહેવા માંગુ છું કે, અમે છેલ્લા ઘણા વર્ષોથી સરકારમાં ફરજ બજાવીએ છીએ. સરકારના કેસોમાં ઘણું બધું રાજકીય દબાણ હોય છે. નેતાઓ દ્વારા પણ મૌખિક દબાણ કરવામાં આવે છે. નેતા, કર્મચારી અને અધિકારીઓથી બનેલી આ આખી શૃંખલામાં માત્ર અધિકારી અને કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. દબાણપૂર્વક એફિડેવિટ કરવાની સૂચના આપતા નેતા વિરુદ્ધ કાયદાકીય જોગવાઈ હાથ ધરવી જોઈએ.
કર્મચારીઓનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ : આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા લીટીગેશન પોલિસીમાં જે પણ સુધારો અને જવાબદારી નક્કી કરવામાં આવી તે સારી બાબત છે. ફિક્સ પગારના કર્મચારીઓને મુદ્દે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપી દેવામાં આવ્યો છે. 2012 થી લઈને અત્યાર સુધી છેલ્લા 12 વર્ષથી આ ચુકાદાને નામદાર સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હજી સુધી આ કેસનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, તેની પાછળ અધિકારીઓને નેતાઓ દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે. આ બાબતે નૈતિક સિદ્ધાંતોને લઈને પોલિસીનું ઘડતર થવું જોઈએ એવું અમારું માનવું છે.
કર્મચારી એસોસિએશનનું સૂચન : ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનના ઉપપ્રમુખ બિંદેશ ગોસાઈએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને સ્ટેટ લીટીગેશન પોલીસીમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા છે. તાજેતરમાં પ્રચાર માધ્યમોમાં જે સમાચાર આવ્યા તે અનુસાર અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ સામે કર્મચારી એસોસિએશનના કેટલાક સૂચનો છે. કોઈ કિસ્સામાં અધિકારી દ્વારા શુદ્ધ બુદ્ધિથી કોઈ કૃત્ય કરવામાં આવેલ હોય તો કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર તેને બચાવવાની વ્યાજબી તક આપવી જોઈએ. પોતાના પુરાવા અને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ.
ટેકનોલોજીનો ઉપયોગ વધારવા સૂચન : કર્મચારી એસોસિએશનનું બીજું સૂચન એ હતું કે, લીટીગેશન પોલીસીમાં રાજ્ય કાયદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ સોફ્ટવેરનું વધુ અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવે. જેમ કે આ પ્રકારના સોફ્ટવેરમાંથી અધિકારીઓને સમયસર પિટિશનની નકલ મળી શકે, ચુકાદાઓની પ્રમાણિત નકલ મેળવી શકે, રિમાર્ક પુરા પાડી શકાય, કેસ અંગેની જરૂરી માહિતી એકત્ર કરી શકાય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લઈને અપગ્રેડેશન કરવામાં આવે તો સરકારના હિતમાં કામ થઈ શકે છે. કાયદાકીય બાબતોમાં લીગલ ઓફીસર અથવા લીગલ એક્ઝિક્યુટિવની સેવા કર્મચારીઓ અને અધિકારીઓને પૂરી પાડવામાં આવે તો સરકાર પક્ષે ઉપયોગી માહિતી રજૂ કરાય અને સરકારનો બચાવ કરી શકાય છે.