જૂનાગઢ: સમગ્ર ગુજરાત આકરી ગરમીમાં શેકાઈ રહ્યું છે સૌ કોઈ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે જૂનાગઢના સોનાપુરી સ્મશાનમાં પણ અગ્નિસંસ્કાર માટે આવતા ડાઘુઓ આકરી ગરમીથી બચી શકે તે માટે અંતિમ વિસામા નજીક પ્લાસ્ટિકની નેટ લગાવીને ડાઘુઓને ઓછી ગરમી થાય તેવી વ્યવસ્થા કરાઈ છે.
સ્મશાનમાં વિશેષ વ્યવસ્થા: આકરી ગરમીથી સમગ્ર ગુજરાત રાજ્ય શેકાઈ રહ્યું છે તેની વચ્ચે સ્મશાનમાં અંતિમવિધિ માટે આવતા ડાઘુઓ પણ ગરમીના આ પ્રચંડ લહેરની વચ્ચે સુરક્ષિત રહે તે માટેની વ્યવસ્થા જૂનાગઢ સ્મશાનમાં કરવામાં આવી છે. અંતિમવિધિ પૂર્વે સ્મશાનમાં બનાવવામાં આવેલા અંતિમ વિસામાં નજીક મૃતક-સ્વજનના પરિજનો મૃતદેહને પ્રદક્ષિણા કરી શકે તે જગ્યા પર નેટ બિછાવીને ગરમીથી ડાઘુઓનું રક્ષણ થાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. હાલ ગરમીનું રેડ એલર્ટ પણ કેટલીક જગ્યા પર આપવામાં આવ્યું છે ત્યારે અંતિમ વિધિ માટે આવતા ડાઘુઓ આકરી ગરમીથી પોતાની જાતનું રક્ષણ કરી શકે તે માટે આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અંતિમ સંસ્કાર 16મો સંસ્કાર: હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારને 16 માં સંસ્કાર તરીકે માનવામાં આવે છે. ધર્મની તમામ 16 વિધિઓમાં સામેલ થયેલી કોઈપણ વ્યક્તિએ ઉઘાડા પગે એટલે કે પગરખા પહેર્યા વગર આ વિધિને પૂર્ણ કરવાની હોય છે. ત્યારે અંતિમ સંસ્કાર વખતે પણ ડાઘુઓએ પગરખા પહેરવાના હોતા નથી ત્યારે આવી પ્રચંડ ગરમીમાં ડાઘુઓના પગનું રક્ષણ થાય તે માટે પણ નેટ બીછાવીને આકરી ગરમીથી ડાઘુઓને રક્ષણ મળે તે માટેની વ્યવસ્થા જૂનાગઢ સ્મશાનમાં કરવામાં આવી છે.