વડોદરા: સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાની મુલાકાતે છે. ત્યારે વડોદરાના કલાકારોએ ગરબા રજૂ કરીને સ્પેનના વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. રક્ષા ઉત્પાદનોમાં આત્મ નિર્ભર ભારતની પ્રતીતિ કરાવતા વડોદરા સ્થિત ટાટા એરબસ નિર્મિત કાર્ગો પ્લેન સી – 295ની ફાઇનલ એસેમ્લી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે પધારેલી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું એરપોર્ટ ઉપર મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ખાસ વિમાનમાં ઉતરાણ કર્યું: સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની સુજ્ઞા બિગોના ગોમેઝે મધરાતે વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં ઉતારણ કર્યું હતું. જ્યાં સ્પેન સ્થિત ભારતના રાજદૂત દિનેશ પટનાયક, વડોદરાના મેયર પિંકીબેન સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, કલેક્ટર બી. એ. શાહ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા.
ગરબાના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી: એરપોર્ટ ઉપર સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત વસ્ત્રપરિધાન સાથે ગરબાના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેને સ્પેનિશ વડાપ્રધાનએ નિહાળ્યું હતું. ભારત અને સ્પેનના વડાપ્રધાનને આવકારવા દિવ્યાંગ વિદ્યાર્થિનીઓ અજબ ઉત્સાહ ઉત્સાહ જોવા મળ્યો હતો. એમએસ યુનિવર્સિટીની છાત્રા દિયા ગોસાઇ જાતે બનાવેલા ચિત્રો સાથે માર્ગમાં ગોઠવાઇ ગઇ.
દિવ્યાંગ વિદ્યાર્થિનીનો આવકારવાનો ઉમંગ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝને આવકારવા માટે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ અજબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમાંય એક દિવ્યાંગ વિદ્યાર્થિનીનો આંગતૂકોને આવકારવા માટેનો ઉમંગ ઉડીને આંખે વળગે એવો હતો.
એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ ચિત્રો દોર્યા: એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ ગઇ હતી અને મહાનુભાવોના આગમનની આતૂરતા પૂર્વક રાહ જોતી જોવા મળી હતી.
7 કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝને આવકારવા માટે એરપોર્ટથી ટાટા ફેક્ટરી ઉપર ભારે ભીડ એકત્ર થતી જોવા મળી રહી છે. એમાંય સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થતાં કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. વડોદરાના 7 કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું હતું. દક્ષિણ ભારતના આ નૃત્ય અને તેની સાથે સંગીતે ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું.
સી – 295 એરક્રાફ્ટના 3000 બેનરો દ્વારા સ્વાગત: ટાટા એરબસની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝને નગરજનો દ્વારા અદમ્ય ઉત્સાહ સાથે આવકારવામાં આવી રહ્યા છે. એરપોર્ટ સર્કલથી છેક ટાટા ફેક્ટરી સુધી માર્ગમાં એક તરફ શહેરીજનો સ્વયંભૂ ગોઠવાઇ ગયા હતા. કેટલીક સંસ્થાઓ દ્વારા 3000 જેટલા સી – 295 વિમાનના બેનર આપવામાં આવ્યા હતા. આ બેનર સાથે નિવૃત સેના જવાનો, યુવાનો, યુવતીઓ, બાળકો હાથમાં લઇ લહેરાવી રહ્યા હતા.
બોડીરોક સમુહના કલાકારોએ રજૂ કર્યા ડાન્સ: વડોદરા શહેરમાં પધારી રહેલા મહાનુભાવોને આવકારવા માટે અહીંના કલાકારોએ દેશભક્તિના ગીતો સાથે રજૂ કરેલા ડાન્સથી ગજબનું આકર્ષણ ઉભું થયું હતું. બોડીરોક ગ્રુપ દ્વારા વડાપ્રધાન મોદીના સ્વાગત માટે દેશભક્તિ ડાન્સ, તેમાં સેનાના જવાનોના પરિધાન સાથે રજૂ કરવામાં આવ્યો હતો. આ સમુહમાં સામેલ 7 નૃત્યકારોએ ઉત્સાહભેર ડાન્સ રજૂ કરી લોકોમાં આકર્ષણ સાથે દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.
આઝાદીના લડવૈયાઓના પરિધાનમાં નાગરિકો: આઝાદીના લડવૈયાઓના પરિધાનમાં આવેલા નાગરિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝના કાફલાના માર્ગમાં જોવા મળ્યા હતા. જેમાં ભારત માતા, લક્ષ્મીબાઇ, ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, સુભાષબાબુ સહિત બજરંગ બલીના પરિવેશમાં પણ નાગરિકો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: