વડોદરાઃ સોમવતી અમાસના રોજ પવિત્ર તીર્થોમાં સ્નાન, ધ્યાન અને જપ-તપ કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. સાથે સાથે સુખ-સમૃદ્ધિમાં વધારાના યોગ પણ સર્જાય છે. આજે સોમવતી અમાસ નિમિત્તે ડભોઈ તાલુકાના તીર્થધામ કરનાળીના સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.
અમાસ અને સોમવારનો અનોખો સંયોગઃ મોટી સંખ્યામાં મોડી રાતથી જ ગુજરાત સહિત પર અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ અમાસ અને સોમવારનો સંયોગ હોય સોમવતી અમાવસ્યાના મહિમાને અનુલક્ષીને કુબેર દાદા ના પાવન દર્શન અને નર્મદા સ્નાન અર્થે કરનાળી પધાર્યા છે. પ્રસિદ્ધ કુબેર મંદિર ખાતે અમાસ ના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ કતારમાં ઊભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવે છે . શ્રદ્ધાળુઓ શાંતિમય રીતે દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ છે. કુબેર ટ્રસ્ટના દિનેશ ગીરી મહારાજે નર્મદા નદી ચોખ્ખી રાખવી નર્મદા નદીમાં ગંદા કપડા, ચંપલ કે ગંદી વસ્તુઓ નાંખવી નહી જેવા સૂચનો પણ કર્યા છે.
1970 બાદ સૂર્યગ્રહણઃ આજે 8 એપ્રિલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જો કે આ સૂર્યગ્રહણ વર્ષ 1970 બાદ થઈ રહ્યું છે. આ ગ્રહણ પૂર્વ ભારતમાં માત્ર છાયા ગ્રહણ તરીકે દેખાશે. નર્મદા કિનારે આવેલ કુબેર ભંડારી મંદિર ભક્તો માટે ખુલ્લુ રખાયું છે.જેથી આજે રાત્રિના 12 વાગ્યાથી આવતીકાલે રાત્રે 10 વાગ્યા સુધી કુબેર ભંડારી મંદિરના દર્શન ભક્તોએ દશૅનનો લાભ લઈ શકે છે. દર અમાસે લાખ્ખો ભક્તો કુબેર ભંડારી મંદિરના દર્શન કરે છે.
સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાયઃ ભારતમાં સુર્યગ્રહણ ન હોવાથી સુતક નહિ લાગતું હોવાનું કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશગીરી મહારાજે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં પધારતા તમામ ભક્તોને કુબેર દાદા તરફથી ખૂબ આશીર્વાદ હંમેશા મળતા રહે. આ અમાસ એ સોમવતી અમાસ છે. એ વખતે સૂર્યગ્રહણ લાગવાનું છે, પરંતુ ભારતમાં સૂર્યગ્રહણ દેખાવાનું નથી. તેથી તેનું સુતક નહીં લાગે. જેથી તમે અમાસના દિવસે કુબેર દાદાના દર્શને આવી શકો છો. મંદિર 24 કલાક ચાલુ રહેશે.
સોમવતી અમાસ અત્યંત ફળદાયીઃ સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે અત્યંત પવિત્ર ગણાય છે. અમાસની તિથિના દિવસે કરવામાં આવતા તપ, કર્મ, ધન અને પુણ્ય પ્રાપ્ત કરાવે છે. અમાસ પિતૃ પૂજા માટે પણ આ તિથિ ઉત્તમ ગણાય છે. તદુપરાંત સોમવતી અમાસે શિવપૂજાનો પણ મહિમા રહેલો છે. સોમવાર એટલે શિવજીનો વાર છે. સોમ એટલે ચંદ્ર ગણવામાં આવે છે અને શિવજીના મસ્તક ઉપર ચંદ્ર રહેલો છે. માનસિક પરિપની શાંતિ માટે સોમવતી અમાસના દિવસે શિવજીને દુધના અભિષેક કરવાનું મહત્વ રહેલું છે. આ સાથે જન્માક્ષરમાં રહેલા કાલ દોષ પૂજા માટે પણ સોમવતી અમાસ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.