જુનાગઢ: સામાન્ય રીતે નુસખા શબ્દ ભોજન બનાવવાની અવનવી પદ્ધતિ કે સૌંદર્યને લગતા કેટલાક પ્રયોગોમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. પરંતુ આ નુસખા શબ્દ હવે પરપ્રાંતિય દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો માટે પણ આટલો જ પસંદગીનો શબ્દ બની રહ્યો છે. આવા જ એક કિસ્સામાં સોમનાથ પોલીસે ખુલાસો કર્યો છે. ઉના શહેરમાં રહેતા રવિ દુધરેજીયા નામના આરોપીને ઉનાથી કેસરિયા હાઇવે પર ઘરમાં લગાવવામાં આવતા શો પીસના ફોટાની અંદર દારૂની હેરાફેરી કરતા તેની અટકાયત કરી છે. પોલીસ પકડમાં રહેલા રવિ પાસેથી 68 બોટલ પરપ્રાંતીય દારૂની મળી આવી છે.
પોલીસ અધિક્ષકે આપી વિગતો: પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ સમગ્ર મામલાને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ફોટા વેચીને ગુજરાન ચલાવવાનો ડોળ કરનાર રવિ દુધરેજીયાની દારૂ વેચવાની આ નવી રીતનો પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે રવિ દુધરેજીયાને ફોટો ફ્રેમમાં છુપાવેલા દારૂની બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. વધુમાં ઉનાના ઉન્નત નગર વિસ્તારમાં બગીચા પાસે કારમાંથી પણ દારૂ મળી આવ્યો છે. કાર ચાલક શકીલ બહારુની કારની પાછળની બંને લાઈટો ખોલીને તેમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો તેની પણ ચોક્કસ બાતમી મળતા પોલીસે આ બંને કિસ્સામાં રવિ દુધરેજીયા અને શકીલ બહારુનીની 2 લાખ 50 હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પણ આ જ રીતે પકડાયો દારૂ: અગાઉ પણ ચોરી છુપીથી દારૂ લઈ જવાના અનેક કિસ્સાઓનો પોલીસે ખુલાસો કર્યો છે. જેમાં નાળિયેરની નીચે માછલીઓના કેરેટમાં માછીમારીની બોટમાં ભંગાર નીચે સંતાડીને, એસટી બસમાં સામાન તળે છુપાવીને તેમજ દૂધ અને પાણીના ટેન્કરની સાથે. અનેક અવનવા નુસખાઓ અજમાવીને બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો છે જેને પકડી પાડીને સોમનાથ પોલીસે ખુલાસો પણ કર્યો છે.