જૂનાગઢ: મોબાઇલની બેટરી બ્લાસ્ટ થવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આજ પ્રકારનો એક કિસ્સો ઉના શહેરમાં જોવા મળ્યો. યુવકના ખિસ્સામાં રહેલો મોબાઇલ ફોન અચાનક બ્લાસ્ટ થતા યુવકને પગના ભાગે ઈજા થઈ છે.
મોબાઇલમાં થયો બ્લાસ્ટ: મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ સમ્યાન્તરે અલગ અલગ સ્થળો પર સામે આવતી રહે છે. આ જ પ્રકારની મોબાઇલ બ્લાસ્ટની ઘટના ઉના શહેરમાં જોવા મળી હતી. યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થવાની સાથે સળગી ઊઠતા યુવક પણ ખૂબ જ ગભરાઈ ગયો હતો. જેના સીસીટીવી સ્પષ્ટ કરે છે કે મોબાઈલમાં બ્લાસ્ટ વખતે યુવાન રીતસર ડઘાઈ ગયો હતો. મોબાઇલમાં બ્લાસ્ટ થતા યુવકને પગના ભાગે ઈજાઓ થઈ છે. સમય સૂચકતા વાપરીને યુવાને ફોન ખિસ્સાની બહાર ફેંકી દેતા વધુ ઈજાથી તે બચી ગયો હતો.
મોબાઇલ બ્લાસ્ટ થવા પાછળ અનેક કારણો જવાબદાર:
- આજકાલ મોટા ભાગની કંપનીઓ સ્માર્ટફોનમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરે છે. જ્યારે ફોનની બેટરીના ભાગો તૂટી જાય ત્યારે ફોન ઘણીવાર બ્લાસ્ટમાં પરિણામે છે.
- બેટરીને નુકસાન થવાનું સૌથી સામાન્ય કારણ ગરમી છે. બેટરી ચાર્જ કરતી વખતે બેટરી ઝડપથી ગરમ થાય તો ફોનમાં આગ લાગી શકે છે.
- ફોન લાંબો સમય સુધી તડકામાં રહેવાથી, CPUમાં માલવેર અને ચાર્જિંગ સર્કિટમાં સમસ્યાને કારણે બેટરીને નુકસાન થઈ શકે છે. સ્માર્ટફોન જૂનો હોવા અથવા મેન્યુફેક્ચરિંગ ખામી હોય તો પણ આ પ્રકારની ઘટનાઓ બની શકે છે.
- એક જ ડિવાઇસનો ઉપયોગ લાંબા સમય સુધી કરવાથી બેટરીના આંતરિક ભાગો ખરાબ થઇ શકે છે અને બેટરી ફૂલી શકે છે અથવા વધુ ગરમ થઈ શકે છે. જેથી બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.