ભાવનગર: શહેરમાં પશ્ચિમ વિભાગમાં આંગણવાડીઓમાં ડ્રેનેજ, પાણી અને જર્જરીત ઈમારતને પગલે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે કુંભારવાડાની આંગણવાડીમાં બાળકોના પ્રવેશ સ્થાને જ ગટર અને ચોમાસાના પાણીને લઈને સ્થાનિકો ત્રાહિમામ છે. મીડિયાની દરમિયાનગીરી બાદ તંત્ર અચાનક જાગી જાય અને સમસ્યા હલ કરવા લાગી જાય છે. જો કે પશ્ચિમ વિભાગમાં કેટલી સમસ્યાઓ અને લોકોનું શું કહેવું છે. ચાલો જાણીએ
કુંભારવાડામાં આંગણવાડીના દરવાજે ગટરનું પાણી: ભાવનગર શહેરનો કુંભારવાડા પછાત વિસ્તાર છે, અને ત્યાં આવેલી આંગણવાડીની દુર્દશાને લઈને સ્થાનિકો ત્રાહિમામ છે. બે દિવસ પહેલા કુંભારવાડામાં આંગણવાડી કેન્દ્ર નજીક સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક રસુલભાઈએ જણાવ્યું હતું કે, "અહીંયા 2020માં આંગણવાડી બનાવવામાં આવી હતી, જે જર્જરીત થઈ ગઈ છે એટલે ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે, અહીંયા આંગણવાડીમાં ગંદકીવાડો, ઉકરડો આવમાં છોકરાઓ કેવી રીતે ભણવા આવે. આંગણવાડીના પગથિયાં તૂટી ગયેલા છે, આવી સુવિધા છે અમારા બાળકો માટે અહીંયા બાળકોને ભણવા મોકલીએ છીએ માંદા પાડવા નથી મોકલતા અમે. કોર્પોરેશને અહીંયા ધ્યાન આપવું જોઈએ. 50 થી 60 બાળકો અહી ભણવા આવે છે અને ચોમાસાની સિઝન છે પાણી પડે કે કઈ પડે તો, અમે વારે ઘડીએ રજુઆત કરીયે છીએ પણ કોઈ સાંભળતું નથી.
આંગણવાડીના ICDS વિભાગમાં સમસ્યાઓ કેટલી: ભાવનગરના પશ્ચિમ વિભાગમાં 142 જેટલી આંગણવાડી આવેલી છે, ત્યારે આંગણવાડીઓમાં મોટાભાગે પ્રશ્નો સામે આવતા હોય છે. 65 જેટલી આંગણવાડીઓમાં વિવિધ પ્રશ્નોને પગલે ઘટક 2ના CDPO પ્રવીણાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, "અમારે અર્બન ઘટક 2માં પશ્ચિમ વિભાગમાં કુલ 142 આંગણવાડી કેન્દ્ર છે તેમાં મારે 28 નળ કનેક્શનના પ્રશ્નો હતા એ મેં ઓલરેડી વોટર વર્કસ ડિપાર્ટમેન્ટ છે એમને જાણ કરી દીધી છે અને લોકો દ્વારા કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, અત્યારે સીદસર વોર્ડમાં કામ શરૂ છે, એ પછી જે 142 માંથી 67 આંગણવાડી નાનું મોટું રીપેરીંગ છે એ રીપેરીંગનું લિસ્ટ પણ મેં આપી દીધું છે એ લોકોનું કામ શરૂ છે, અને કુંભારવાડામાં 108 નંબરની આંગણવાડીમાં કામગીરી શરૂ છે. 10 આંગણવાડી કેન્દ્ર એવા છે જેમાં ડ્રેનેજના પ્રશ્નો છે. ડ્રેનેજ વિભાગને પણ જાણ કરી છે અને એ લોકો દ્વારા અત્યારે કુંભારવાડામાં જે 109 છે ત્યાં મેઇન વોલ્ટનું બપોર પછી આજથી કામ સ્ટાર્ટ થવાનું છે અને અગાઉના કામગીરી શરૂ હતી ત્યાં કામગીરી પૂર્ણ કરી છે."
બાળકોને શિક્ષણ મેળવવા ક્યાંક આરોગ્ય દાવ પર : આંગણવાડીમાં ખાસ કરીને નાના ભૂલકાઓ શિક્ષણ મેળવવા જતા હોય છે, પરંતુ આંગણવાડીઓની સમયસર માવજત નહીં થવાને કારણે નાની મોટી સમસ્યાઓ રહેતી હોય છે. પીવાના પાણીની હોય કે ડ્રેનેજ લાઈન ઉભરાવાના કારણે ચાલવાની કે, પછી દુર્ગંધની, આ બધી સમસ્યાઓ નાના ભૂલકાઓ માટે દૂર કરવી જરૂરી બની જાય છે. પરંતુ સ્થાનિક તંત્ર વાહકો નજર અંદાજ કરતા હોય ત્યારે સ્થાનિકોનો આક્ષેપ પણ વ્યાજબી ગણાય છે.