સુરત: રાજકોટ શહેરમાં ગંભીર બેદરકારી સામે આવી છે. આવી બેદરકારી બનતા સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ રાતોરાત બેઠક યોજી હતી જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ, ડીજીવીસીએલના અધિકારીઓ સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ સામેલ હતા. સુરત શહેરમાં ચાલી રહેલા ગેમ ઝોન મેળા સહિતની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. અને છ જેટલા ગેમ ઝોન સીલ કરાયા હતા. આ તમામ ગેમ ઝોન એનઓસી વગર ચાલી રહ્યા હતા.
ત્રણ મેળા પણ બંધ કરાયા: સુરત શહેરમાં ચાલી રહેલા રાહુલ રાજ મોલમાં ગેમ ઝોન, વેસુના સેલિબ્રેશન, વીઆઈપી રોડના ગેલેક્સી ગેમ ઝોન, પંકી મંકી વીઆર મોલમાં ચાલનાર ગેમ ઝોન, સીટી લાઈટ ખાતે ચાલનાર પ્લેટિનમ ગેમ્સ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં વનિતા વિશ્રામ ખાતે ચાલનાર મેળા સહિત ત્રણ મેળાઓને બંધ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં 17 જેટલા ગેમ ઝોન છે જેની તપાસ હાલ પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. અનેક જગ્યાએ ફાયર સેફટીના સાધનો નથી અને છે તો પણ એક્સપાયરી ડેટના છે.
ચાર અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે: મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આર.બી.બોલાઈકાએ જણાવ્યું હતું કે, રાજકોટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં તમામ વિભાગ અને અધિકારીઓને સુચના આપવામાં આવી છે. સુરતમાં જે 17 ગેમ ઝોન છે, તેમાંથી છ ગેમ ઝોન જેમાં ફાયર એનઓસી નથી તેમને સીલ કરવામાં આવ્યા છે. બાકીના 11 ગેમ ઝોનની અલગ અલગ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે. જે માટે અમે ચાર ટીમો બનાવી છે. આ ટીમો મેકેનિકલ અને ઈલેક્ટ્રિક એક્સપર્ટની ટીમ છે. જે વાયરીંગ સહિત ફાયરની એનઓસી પોલીસની એનઓસી ડીજીવીસીએલનો લોડ અંગેની તપાસ કરશે. નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં અને સ્ટ્રકચરો કેવા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.