દમણ : રક્ષાબંધન પર્વ નિમિત્તે દમણમાં છેલ્લા 54 વર્ષથી નાળિયેરી પૂર્ણિમા ઉત્સવનું ભવ્ય આયોજન થતું હતું. જોકે, આયોજક સંસ્થા એવી લાયન્સ ક્લબ દ્વારા આ વર્ષે આ મહત્વના ઉત્સવમાં માત્ર સમુદ્રમાં નાળિયેર પધરાવી બાકીના તમામ કાર્યક્રમો પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યો હતો.
નાળિયેરી પૂર્ણિમા : છેલ્લા 54 વર્ષથી ઉજવાતા નાળિયેરી પૂર્ણિમાના કાર્યક્રમ અંગે લાયન્સ ક્લબના સભ્યોએ જણાવ્યું કે, નાળિયેરી પૂર્ણિમાનું માછીમાર સમાજમાં ખૂબ જ મહત્વ છે. તે મહત્વને ટકાવી રાખવા દર વર્ષે આ દિવસે સમુદ્રમાં નાળિયેર અર્પણ કરવામાં આવતું હતું. શાસ્ત્રોક્ત વિધિ સાથે દરિયાદેવની પૂજા કરી તે બાદ દમણના માછીમાર ભાઈઓ માછીમારી માટે દરિયાની સફરે નીકળતા હતા. આ વર્ષે શાસ્ત્રોક્ત વિધિ સાથે કલબના સભ્યોએ દરિયાદેવની પૂજા કરી નારિયેળ અર્પણ કરી ખૂબ સાદગીથી આ ઉત્સવ મનાવ્યો છે.
લાયન્સ ક્લબ દ્વારા પરંપરાગત ઉજવણી : લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ્સ જ્યોતિ રવિન્દ્રએ જણાવ્યું કે, ગત વર્ષ સુધી દમણના દરિયાકિનારે જેટી પર ખૂબ જ ઉત્સાહભેર નાળિયેરી પૂર્ણિમાનો ભવ્ય કાર્યક્રમ યોજાતો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓ જેમ કે, બોટ સ્પર્ધા, તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં કોસ્ટગાર્ડ દ્વારા પણ હેલિકોપ્ટરથી ફૂલવર્ષા કરવા સહિતના અવનવા દાવ કરવામાં આવતા હતા. જોકે, આ વર્ષે એવા કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યા નથી. માત્ર સમુદ્રદેવને લાયન્સ ક્લબના સભ્યોએ નાળિયેર અર્પણ કરી કાર્યક્રમની ઉજવણી કરી હતી.
શા માટે કાર્યક્રમ નીરસ રહ્યો ? નાળિયેરી પૂર્ણિમાના ભવ્ય મહોત્સવને બદલે માત્ર નાળિયેર પધારવા પૂરતા સીમિત થયેલા આ ઉત્સવ અંગે સુત્રો તરફથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા બે-ચાર વર્ષથી દમણ પ્રશાસનના અધિકારીઓ આયોજકો અને દમણના માછીમાર સમાજને જ કાર્યક્રમથી અળગા કરી સમગ્ર કાર્યક્રમને પ્રશાસનનો જ કાર્યક્રમ કરી વાહવાહી લૂંટતા હતા. જેથી નારાજ થયેલા સભ્યો અને માછીમાર સમાજે આ વર્ષે આ સમગ્ર કાર્યક્રમથી અળગા રહેવાનું મન બનાવ્યું હતું. બીજી તરફ પ્રશાસને કોઈ જ મહત્વનું આયોજન કર્યું ન હોવાથી સમગ્ર કાર્યક્રમ નીરસ રહ્યો હતો.
મોન્સૂન ફેસ્ટિવલનો ફ્લોપ શો : અત્રે નોંધનીય છે કે, હાલમાં જ દમણ પ્રશાસન દ્વારા મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે આયોજિત આ કાર્યક્રમ પણ સુપર ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. એવામાં દમણના કિલ્લામાં આયોજિત ટગ ઓફ વોર સહિતના અન્ય કાર્યક્રમો પણ માત્ર કાર્યક્રમ યોજવા પૂરતા સીમિત રહ્યા હતા.
પ્રશાસનના આ કાર્યક્રમમાં પ્રશાસનના જ અધિકારીઓ ડોકાયા નહોતા. કાર્યક્રમની જોઈએ તેવી પ્રસિદ્ધિ કરી ન હોવાથી લોકો પણ નિરાશ થતા જોવા મળ્યા હતા. કાર્યક્રમના આયોજન સ્થળે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો અને ગણતરીના નગરજનો સમક્ષ શરમ માર્યા બે-ચાર સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ સિવાય મેદાન ખાલીખમ જોવા મળ્યું હતું.