જામનગર: જામનગર નજીક આવેલા સપડા ગામ પાસે શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે શ્રદ્ધાળુઓનાં સમુદ્રે છલકાઈ ઉઠ્યું હતું. આ મંદિરમાં દૂર-દૂરથી આવેલા ભક્તોએ પગપાળા પદયાત્રા કરીને ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આસ્થાળુઓએ ધૂપ-દીપ, ફૂલ, મોદક અને અન્ય પ્રસાદ સાથે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી. મંદિરમાં વ્યાપેલો ભક્તિનો માહોલ અનુપમ હતો.
![હરિયાળી ટેકરીઓ વચ્ચે બિરાજમાન ગણેશજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-09-2024/gj-jmr-01-sapada-10069-mansukh_07092024191622_0709f_1725716782_1005.jpeg)
આ મંદિરે મનોકામના પૂર્ણ થાય છે: સિદ્ધિવિનાયક ગણપતિ બાપાને પ્રાચીન કાળથી જ જ્ઞાન, સિદ્ધિ અને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને દાદાની કૃપાથી તે પૂર્ણ થાય છે એવી માન્યતા છે.
આજના દિવસે મંદિર પરિસરમાં ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પુજારીઓએ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. સપડા ગામનું સિદ્ધિવિનાયક મંદિર એ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ મંદિરમાં ભક્તોને એકતા, ભાઈચારો અને શાંતિનો અનુભવ થાય છે.
![હરિયાળી ટેકરીઓ વચ્ચે બિરાજમાન ગણેશજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-09-2024/gj-jmr-01-sapada-10069-mansukh_07092024191622_0709f_1725716782_753.jpeg)
સિદ્ધિ વિનાયક મંદિરે ભક્તોનું માનવ મહેરામણ: સંસારના દુઃખ દૂર કરનાર દેવતાના પ્રથમ સ્થાને કોઈ આસ્થાનું પ્રતીક હોય તો તે છે ગણપતિ દેવ છે. ગણપતિની આરાધનાના આ માસમાં વાત કરવી છે જામનગરના સપડા ગામે બિરાજતા સિદ્ધિ વિનાયક દેવની કે જે જગત આખું દુંદાળા દેવની પૂજા-અર્ચના કરી રહ્યુ છે. ત્યારે જામનગર નજીક વિશ્વ પ્રસીધ સિદ્ધિ વિનાયક મંદિરે પણ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે અને બાપાના ચરણોમાં શીશ જુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા મેળવે છે.
![હરિયાળી ટેકરીઓ વચ્ચે બિરાજમાન ગણેશજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-09-2024/gj-jmr-01-sapada-10069-mansukh_07092024191622_0709f_1725716782_351.jpeg)
હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ પૂજાય છે. જેમાં મહાદેવ શિવ સંકર, લોક કલ્યાણકારી અને ભોલેનાથનો સમાવેશ થાય છે. આ ભોલેનાથે ખુદ કહ્યું છે કે પૃથ્વી લોકમાં મારી આરાધના પૂર્વે મારા પુત્ર ગણેશની પૂજા થશે. ભગવાન શિવ પણ જેના ગુણગાન ગાતા અને વિશેષ દરજ્જો આપતા હોય એવા દુંદાળા દેવ ગણપતિની આદ્ય ભક્તિ- શક્તિનો અનેરો મહિમા રહેલો છે. સાચી શ્રધ્ધા સાથે કોઈ પણ દુ:ખ-દર્દ કે પીડા-સંકટ લઇ સિદ્ધિવિનાયકના દ્વારે જતો ભક્ત ચોક્કસ હળવો ફુલ થઇ પરત ફરે છે.
હરિયાળી ટેકરી વચ્ચે બિરાજમાન: વિધ્નહરતા ગણપતિ મહારાજ ભાવકો અને ભક્તોની મનોકામના અવસ્ય પૂરી થાય છે. આવા દૈદીપ્યમાન દેવ શ્રી ગણપતિ જામનગર નજીક સપડા ગામે બિરાજમાન છે. ચોમાસા દરમિયાન ચોતરફ ફેલાઈ જતી હરિયાળી વચ્ચે ટેકરા ઉપર બિરાજમાન ગણપતિમંદિર દરરોજ ભક્તોની ભીડથી ચહેકતું રહે છે. ભાદરવા મહિનામાં આવતા ગણેશ ચતુર્થીના તહેવારના દિવસોમાં મંદિરે શ્રધ્ધાળુઓના ઘોડાપુર બાપાનાં દર્શન માટે ઉમટી પડે છે.
ખેડૂતના સપનામાં ગણપતિ આવ્યા: પાંચ-છ સદીઓ પૂર્વેની લોક વાયકા મુજબ, જામનગર નજીકના સપડા ગામે રહેતા એક ગુર્જર સુથાર ખેડૂતના સપનામાં સંકટ મોચક ગણપતિ સપનામાં આવ્યા અને કહ્યું કે હું અહીની નદીમાં ધરબાયેલ છું. મને બહાર કાઢો. હું ફૂલ સમો કોમળ છું. મારે પ્રસ્થાપિત થવું છે. જન-જનના દુ:ખ દર્દ દુર કરવા છે. ત્યારબાદ ખેડૂતે ગામની નદીમાં ખોદકામ કર્યું. અને મૂર્તિ રૂપી ગણપતિજી સાક્ષાત પ્રકટ થયા. આ દુંદાળાદેવને એક ગાડામાં બેસાડી ખેડૂત ચાલી નીકળ્યા. આજે જે ટેકરી પર દાદા બિરાજમાન છે ત્યાં ગાડું આપોઆપ ઉભું રહી ગયું. જ્યાં દાદાને બિરાજમાન કરાયા. બસ ત્યારથી માંડી આજ દિન સુધીના સમયમાં સપડામાં સ્થાપિત થયેલા ગજાનન ભક્તો-ભાવિકગણના અંતર-આત્મામાં વસી ગયા છે.
ઉંદર ખૂબ જ નુકસાન કરતા: સપડાના સિદ્ધિ વિનાયક જન જનના દુઃખ દૂર કરે જ છે. પણ ખેડૂતોના ખેતરના પણ રખોપા કરે છે. એક માન્યતા એવી છે કે અહીં ટેકરીમાં વિધ્નહરતા ગણપતિ દેવ ખેડૂતોની પણ મદદ કરે છે. પાકનું રક્ષણ કરે છે. વર્ષો પૂર્વે અહીં ગામના એક ખેડૂતના ખેતરમાં ઉભા પાકમાં ઉંદર ખૂબ જ નુકસાન કરતા હતા. જેને લઈને ખેડૂતે ગણપતિજીની માનતા કરી, અહીં ટેકરીમાંથી એક પથ્થર લઇ પોતાના ખેતરમાં સ્થાપિત કર્યો. ત્યારથી એક ઉંદર ખેતરમાં દેખાયો ન હતો. ત્યારથી અહીંથી ખેડૂતો પથ્થર લઈ પોતાના ખેતરમાં વિદ્યમાન કરે છે.
સપડા સિદ્ધિવિનાયકની ખરા હૃદયથી કરેલી પ્રાર્થના અને માનતા અવશ્ય ફળીભૂત થાય છે. એવી ખુદ ભક્તોની શ્રધ્ધા છે. અનેક દુખીયા અને આસ્થા ભાવિકો અહિ માનતા લઇને જાય છે અને થોડાજ સમયમાં હસતા ચહેરે માનતા પૂર્ણ થયાના ભાવ સાથે માનતા ચડાવવા પરત આવે છે.