ગીર સોમનાથ : આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. સોમવતી અમાસ અને છેલ્લા શ્રાવણીયા સોમવારે મહાદેવના દર્શન કરવા માટે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે દિવસ દરમિયાન મંદિરમાં આયોજિત થતા ધાર્મિક કાર્યક્રમોમાં શિવભક્તો પોતાની હાજરી પ્રત્યક્ષ રાખીને શ્રાવણ મહિનાના અંતિમ દિવસની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરશે.
સોમવતી અમાસ : આજે પવિત્ર શ્રાવણ માસ પૂરો થવા જઈ રહ્યો છે. સોમવતી અમાસના ત્રિવેણી સંગમે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો વહેલી સવારથી જ સોમનાથ મંદિરમાં ઉમટી પડ્યા છે. વહેલી સવારે 4:30 કલાકે મંદિરના કપાટ દર્શનાર્થીઓ માટે ખુલતા જ "જય સોમનાથ અને હર હર મહાદેવ" ના નાદથી સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ શિવ નાદથી ગૂંજી ઉઠી હતી.
છેલ્લો શ્રાવણીયો સોમવાર : આજે દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન સોમનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યું છે. તેમાં પણ શિવભક્તો સ્વયમ હાજર રહીને શ્રાવણના અંતિમ દિવસ સોમવાર અને સોમવતી અમાસની ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરતા જોવા મળશે.