ભાવનગરઃ ભાવનગર શહેરમાં જુના કહેવાતા ભાવનગરમાં નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. જો કે ભાવનગરની સ્થાપના થઈ તે પહેલાંનું મંદિર હોવાનો આ પૌરાણિક ઇતિહાસ છે. શહેરના જુના ભાવનગરમાં આવેલું મંદિર આસપાસના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિકોનું કહેવું છે કે, આદિકાળમાં અહીંયા સાધુ સમાજનું સ્મશાન હતું ત્યારે નીલકંઠ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આદિકાળમાં નીલકંઠ મહાદેવના શરણે દરિયો ઘૂઘવાટા બોલાવતો હતો.
જુના ભાવનગરમાં નીલકંઠ મહાદેવ અસ્થાનું કેન્દ્ર
ભાવનગરની સ્થાપના થઈ તેને 300 વર્ષ થઈ ચૂક્યા છે, ત્યારે ભાવનગરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિરમાં સંવત 1768 ની જીર્ણોદ્ધારની તખ્તીઓ ભાવનગરની સ્થાપના પહેલાની હોવાના પુરાવા આપી રહી છે. આ તખ્તી તેની પૌરાણિકતાને દર્શાવી રહી છે. જો કે છેલ્લે સંવત 1943માં પુનઃ પ્રતિષ્ઠાની પણ તખ્તી લગાવેલી છે. ભાવનગરના જુના મહાલક્ષ્મી મંદિર નજીકના વિસ્તારમાં આવેલું નીલકંઠ મહાદેવ આજે પણ લોકોના આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસમાં ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે. ભાવનગરની સ્થાપના થઈ તે પહેલાંનું આ મંદિર હોવાની લોકવાયકા છે.
ભગવાન શિવના શરણે દરિયો પગ પખાળતો
ભાવનગરના નીલકંઠ મહાદેવમાં વર્ષોથી પૂજા કરતા બ્રહ્મણ ગૌરાંગ ઓઝાએ જણાવ્યું હતું કે, ભાવનગર નીલકંઠ મહાદેવ મંદિર લગભગ 700 વર્ષ આજુબાજુનું આ મંદિર જૂનું છે. તેવું અહીંના ભાવિક ભક્તો દ્વારા જણાવવામાં મળે છે. આ મંદિરનો ઇતિહાસ તો આદિ વર્ષોથી ચાલ્યો આવ્યો છે ત્યારથી જ્યારથી આ ભાવનગરની સ્થાપના ન હતી. ત્યારથી આ મંદિરનો ઇતિહાસ છે, કે અહીં જ્યારે આ ખારગેટ એટલે કે જ્યાં સુધી ખારપટ્ટો દરિયો હતો એ દરિયા અંગે કહેવાતું કે દરિયો અહીંયા સુધી ભગવાનના શિવજીના શરણ પખાળતો, પણ હવે ધીમે ધીમે ધીમે દરિયો પાછળ જતો ગયો છે. જગદીશ મંદિરના ઓટલા સુધી પહેલા દરિયો હતો.
આદિ કાળમાં સ્મશાનમાં હતું
મંદિર બ્રાહ્મણ ગૌરાંગ ઓઝાએ જણાવ્યું હતું કે, અહીં ભગવાન નીલકંઠ મહાદેવનું આ મંદિર છે એ પહેલા આદિ જમાનામાં એક વખત જ્યારે સ્મશાન કહેવાતું. કહેવાતું કે જ્યારે કોઈ કે ગૌસ્વામી પરિવારના અથવા તો જે કોઈ અમારે, એક સમાજ છે સાધુ સમાજ છે, એ સાધુ સમાજને અહીં સમાધિ લાગે છે. તેમને દફનવિધિ થાય છે ત્યારે તેના ઉપર શિવલિંગ સ્થાપી દેવામાં આવે છે.
દર 100 વર્ષે થાય છે પ્રાણપ્રતિષ્ઠા
બ્રાહ્મણ ગૌરાંગ ઓઝાએ જણાવ્યું હતું કે, નીલકંઠ મહાદેવએ સ્વયંભૂ ભગવાન શિવલિંગ છે અને એની પૂજા પ્રતિષ્ઠા 700 વર્ષથી થતી આવે છે. દર 100 વર્ષે તેની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એમ જ જ્યારે આ સવંત 1943 માં છેલ્લે અમે પ્રતિષ્ઠા કરેલી અને હવે આવતા નવા વર્ષમાં ત્યારે એને 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ફરી વખત પુનઃ પ્રતિષ્ઠા કરીશું. ચમત્કાર તો ઘણા બધા છે પણ શિવાલયની અંદર જઈને પૂજા કરવાનો શ્રાવણ મહિનામાં વિશેષ મહત્વ છે.
ચમત્કારના અનેક કિસ્સાઓ લોકમુખે
નીલકંઠ મહાદેવની આગળ ખૂબ મોટો જ કૂવો છે, જેને ઉપરથી હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાંના સ્થાનિક બ્રાહ્મણ ગૌરાંગ ઓઝાએ મૌખિક જણાવ્યું હતું કે, અહીંયા એક કિસ્સો હજુ પણ ચર્ચામાં છે કે, એક સમયે કુવામાં એક બાળક પડી ગયો હતો, જે જીવિત બહાર નીકળ્યો હતો. જો કે નીલકંઠ મહાદેવની પૂજા કરવા આવતા અને ભાવનગરમાં લગ્ન કરીને આવેલા સતત 20 વર્ષથી પૂજા કરતા રેખાબેન પઢિયારે જણાવ્યું હતું કે, હું નીલકંઠ મંદિરે મારા લગ્ન થયા ત્યાંથી હું અહીંયા પૂજા કરવા આવું છું. અહીંયા અનેક ચમત્કાર થયેલા છે, મને ખબર નથી પણ આ મંદિર ઘણું જૂનું છે. અહીંયા પીપળો છે એ પણ જૂનો છે. તેની પૂજા કરું છું. મારા ઘર બન્યા, ગાડી બંગલો બધું છે ખૂબ સુખી છું. ભગવાની દયા છે.