વડોદરા : શહેરના પાણીગેટ વિસ્તારમાં ન્યુ હુસેની સમોસાની દુકાન છે. તાજેતરમાં આ દુકાનમાંથી ગૌમાંસના સમોસા મળી આવ્યા હતા. ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લાયસન્સ ફરી શરૂ કર્યા વગર જ દુકાનદારે વેપાર ધમધમતો કરી દેતા આખરે મનપા તંત્ર એક્શનમાં આવ્યું છે. VMC ટીમે કાર્યવાહી કરી અને દુકાનને સીલ કરી છે. સાથે જ દુકાનમાંથી મળેલી ચીજ-વસ્તુનો તાત્કાલિક નાશ કર્યો હતો.
તંત્રથી ઉપરવટ ગયો વેપારી : જાણવા મળતી માહિતી મુજબ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ ન્યુ હુસેની સમોસા નામની દુકાન આવેલી છે. જેના સંચાલકોને ત્યાંથી ગૌમાંસના સમોસાની ફેક્ટરી ઝડપાઈ હતી. જે સમગ્ર મામલો સામે આવતા પાલિકાના સત્તાધીશો દ્વારા સમોસાની દુકાનનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં જ દુકાનનું રદ થયેલ રજીસ્ટ્રેશન શરૂ કર્યા વગર જ સંચાલકોએ ફરી દુકાન ધમધમતી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
ગૌમાંસના સમોસાનું વેચાણ : આ વાત વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ સુધી પહોંચતા મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા મનપાની ટીમે પોલીસ બંદોબસ્ત સાખે રાખીને દુકાનને ક્લોઝર નોટિસ પાઠવીને સીલ કરવાની કાર્યવાહી આરંભી હતી. ઉપરાંત દુકાનમાંથી મળેલી તમામ ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં બનેલી ઘટનાને લઈને આવા દુકાનદાર સામે પાલિકા કડકમાં કડક પગલાં ભરે તેવી લોકમાંગ પણ ઉઠી છે.
મનપા દ્વારા કડક કાર્યવાહી : પાલિકાની ખોરાક શાખાના અધિકારીએ જણાવ્યું કે, પાણીગેટ એરિયામાં આવેલા ન્યુ હુસૈની સમોસા સેન્ટરનું રજીસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કર્યું હતું. તેમણે તેને એક્ટીવ કર્યા વગર જ ધંધો શરૂ કરી દીધો. આજે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દુકાન સીલ કરવામાં આવી છે. તેમના ઘરેથી ગૌ માંસ મળી આવ્યું હતું. પરંતુ અહીંયા માત્ર વેચાણ થતું હતું. આજે મળેલ માલનો નાશ કરી દેવામાં આવશે. આજે માત્ર ક્લોઝરની કામગીરી કરવામાં આવી છે.