ગીર સોમનાથ : આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પરંપરાગત પાલખીયાત્રા મંદિર પરિસરમાં નીકળી હતી. પ્રભાસ તીર્થ ક્ષેત્રને હરી અને હરની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આજે જન્માષ્ટમીના પાવન પર્વે હરિ અને હરના એક સાથે દર્શન કરીને શિવભક્તો ધન્ય થયા હતા.
મહાદેવની પાલખીયાત્રા : આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો સોમવાર છે. ત્યારે સોમનાથ મંદિરમાં પરંપરાગત રીતે મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. જેમાં શિવભક્તો જોડાઈને મહાદેવના દર્શન કરતા હોય છે. મહાદેવની પાલખીયાત્રામાં જોડાયેલા સૌ ભક્તોએ "જય સોમનાથ" અને "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ના ગગનભેદી નારા પણ લગાવ્યા હતા.
હરિ-હરના એક સાથે દર્શન : આજે ભગવાન સોમનાથને અતિ પ્રિય એવા સોમવારની સાથે જગતગુરુ શ્રી હરિ કૃષ્ણના જન્મોત્સવનો પ્રસંગ એક સાથે જોવા મળે છે. ત્યારે આજે હરિ અને હરની ભૂમિ એવા પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોએ ભગવાન સોમેશ્વર મહાદેવની સાથે શ્રીકૃષ્ણના પણ દર્શન કરીને શ્રાવણ મહિનાના સોમવારની સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના દર્શન કરીને પણ ધન્યતા પ્રાપ્ત કરી હતી.
શ્રાવણીયો સોમવાર : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સવારે 4:30 કલાકે મંદિરના કપાટ ખુલતાની સાથે જ "હર હર મહાદેવ" અને "જય શિવ શંકર"ના નાદથી સમગ્ર પ્રભાસતીર્થ ક્ષેત્રની ભૂમિ ગૂંજી ઊઠી હતી. આજે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાને કારણે ખૂબ વિશેષ પ્રમાણમાં શિવભક્તોની હાજરી દિવસ દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળશે. આજે સોમવાર હોવાને કારણે ધ્વજા પૂજા, પાલખીયાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહીને શ્રાવણીયા સોમવારમાં શિવમય બનતા જોવા મળશે.