જૂનાગઢ : ભગવાન મહાદેવની આરાધનામાં સનાતન ધર્મના ગ્રંથોમાં પણ કાવડ યાત્રાનું ખૂબ ધાર્મિક મહત્વ આલેખવામાં આવ્યું છે. તે મુજબ દેવાધીદેવ મહાદેવને પવિત્ર નદી, સરોવર, તળાવ અને કુંડનું જળ અર્પણ કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થતી હોય છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કાવડ યાત્રા થકી જળ અર્પણ કરવા માટે બંગાળના હાવડાથી 32 જેટલા યુવાનોનું એક ગ્રુપ જૂનાગઢ પહોંચ્યું છે.
બંગાળના શિવભક્ત જૂનાગઢ પહોંચ્યા : અહીંથી આ તમામ યુવાનો કાવડયાત્રા કરીને પૂનમના દિવસે સોમનાથ મહાદેવ સમીપે પહોંચીને મહાદેવને જળાભિષેક કરશે. બંગાળના તમામ યુવાનો આગામી દિવસોમાં દેશના 12 જ્યોતિર્લિંગ ફરીને આ જ પ્રકારે કાવડ યાત્રા થકી જે તે વિસ્તારમાં સ્થાનિક પવિત્ર જળ મહાદેવને અર્પણ કરશે.
નાગેશ્વર મહાદેવને જળાભિષેક : કાવડ યાત્રા પર નીકળેલા કાવડ યાત્રીઓએ આજે ગિરનાર પરીક્ષેત્રમાં આવેલા દામોદર કુંડમાંથી જળ એકત્ર કરી સોમનાથ તરફ પદયાત્રા મારફતે પ્રયાણ કર્યું છે. દામોદર કુંડનું જળ સોમનાથ મહાદેવને અર્પણ કર્યા બાદ આ કાવડ યાત્રીઓ દ્વારકા પહોંચશે, અહીંથી ત્રિવેણી સંગમનું જળ એકત્ર કરીને નાગેશ્વર મહાદેવ પર અર્પણ કરવાની સાથે તેમની બે જ્યોતિર્લિંગની કાવડ યાત્રા થકી જળાભિષેકનો સંકલ્પ પૂર્ણ થશે.
બાબા તારકનાથના સેવક : બંગાળથી આવેલા તમામ યુવાન સેવક બંગાળના બાબા તારકનાથના સેવકો છે. જે પ્રત્યેક મહિનાની પૂનમના દિવસે બાબા તારકનાથ ધાર્મિક ક્ષેત્રમાં પહોંચીને મહાદેવ પર જળાભિષેક કરે છે. ત્યારે પ્રથમ વખત યુવાન શિવ ભક્તોનું ગ્રુપ 12 જ્યોતિર્લિંગમાં જળાભિષેક કાવડ યાત્રા માટે નીકળ્યું છે, જેનો પ્રથમ મુકામ જૂનાગઢમાં થયો છે.
કાવડ યાત્રાનો હેતુ : બંગાળના આ યુવાન શિવ ભક્તો વિશ્વ શાંતિ માટે કાવડ યાત્રા પર નીકળ્યા છે. તેમનો સંકલ્પ છે કે સમગ્ર વિશ્વમાં ભાઈચારો, શાંતિ અને પ્રત્યેક વ્યક્તિનું આરોગ્ય સચવાય તે માટે તેઓ દેશના બાર જ્યોતિર્લિંગની કાવડયાત્રા કરવાનો સંકલ્પ કર્યો છે.
કાવડ યાત્રાની વિધિ : પ્રથમ ચરણમાં ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને નાગેશ્વર મહાદેવ પર જળાભિષેક કરીને તેમના આ સંકલ્પની આજથી શુભ શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં બાકી રહેતા અન્ય 10 જ્યોતિર્લિંગોમાં પણ આ જ પ્રકારે જે તે વિસ્તારના સ્થાનિક અને પવિત્ર નદી, સરોવર, તળાવ કે કુંડનું જળ કાવડ મારફતે એકત્ર કરીને જે તે વિસ્તારમાં આવેલા જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરીને તેમનો આ સંકલ્પ પૂર્ણ કરશે.