જુનાગઢ: આજે પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર દેશમાંથી સોમનાથ પહોંચ્યા હતા. વહેલી સવારે 4:30 કલાકે મંદિરના કપાટ ખુલતા જય જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ ગુંજી ઉઠી હતી.
સોમવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી: ભગવાન મહાદેવને સોમવાર અતિ પ્રિય હોય છે, જેને કારણે સોમવારના દિવસે મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો વિશેષ આવતા હોય છે. ત્યારે આજે હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ વહેલી સવારે સોમેશ્વર મહાદેવના દર્શન કરીને પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.
સવારે પાલખી યાત્રાના થયા દર્શન: દેશના બાર જ્યોતિર્લિંગ પૈકી એકમાત્ર સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે અને મહા શિવરાત્રીના દિવસે સોમેશ્વર મહાદેવની પાલખી યાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે. જેના ખાસ દર્શન કરવા માટે દેશમાંથી શિવ ભક્તો સોમવારની રાહ જોતા સોમનાથ પહોંચે છે. વહેલી સવારે મંદિર પરિસરમાં મહાદેવની મુખાકૃતિ સાથેની પાલખી યાત્રાનુ વિધિવત પૂજન અર્ચન કર્યા બાદ પાલખીયાત્રા મંદિરના પંડિતો દ્વારા મંદિર પરિસરના પ્રાંગણમાં લાવવામાં આવે છે. અહીં મહાદેવના દર્શન કરવા માટે આવેલા શિવ ભક્તો યાત્રામાં જોડાય છે. પાલખીયાત્રા મંદિર પરિસરને ફરતે પરિભ્રમણ કરીને પરત નિજ મંદિરમાં પરત ફરે છે. આ યાત્રાના દર્શન પણ શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. જેથી શ્રાવણ મહિનાના સોમવારે ખાસ પાલખી યાત્રાના દર્શન કરવા માટે પણ શિવભક્તો સોમનાથ આવતા હોય છે