જૂનાગઢ: આજે શનિ જયંતિનો પાવન પ્રસંગ છે ત્યારે આજના દિવસે શનિ મહારાજની વિશેષ પૂજા મંત્ર જાપ શોડ્શોપચાર પુજા અને વહેલી સવારે શનિદેવનુ ધ્યાન લગાવીને અનુષ્ઠાન કરવાથી આજે કરેલી પૂજા અને અનુષ્ઠાનના શુભ ફળ શનિ મહારાજ આપતા હોય છે જેથી શનિ ઉપાસકોમાં શનિ જયંતિના દિવસનું ખૂબ જ મહત્વ પણ માનવામાં આવે છે.
આજે શનિ જયંતિ: આજે વૈશાખ વદ અમાસ એટલે કે શનિ મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણી થઈ રહી છે, જેમ પ્રત્યેક વ્યક્તિને તેમના જન્મદિવસે ભેટ સોગાદ આપવાથી તેને ખુશ કરી શકાય છે, તે જ રીતે શનિ મહારાજને પણ આજના દિવસે શોડ્શોપચાર પૂજા, મંત્ર, જાપ તેમજ શનિ ચાલીસાનું પઠન કરીને શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. શનિ જયંતીના દિવસે પ્રત્યેક શનિ ઉપાસકે વહેલી સવારે પૂજા અભિષેક કર્યા બાદ શનિ મહારાજનું ધ્યાન લગાવીને તેમનું સ્મરણ કરવાથી પણ પ્રત્યેક જાતક પર શનિદેવ તેમની કૃપા વરસાવતા હોય છે જેથી આજનો દિવસ શનિ મહારાજના ભક્તો માટે ખૂબ વિશેષ માનવામાં આવે છે.
કાળી ચીજ વસ્તુઓનું દાન મહત્વપૂર્ણ: શનિ જયંતીના પાવન પ્રસંગે શનિ ઉપાસકોએ કેવા પ્રકારે શનિ મહારાજની પૂજા કરવી જોઈએ તેને લઈને વિગત દર્શાવી છે કે, આજના દિવસે કાળી ચીજ વસ્તુઓનું દાન કરવાથી પણ ખૂબ જ પુણ્યશાળી ફળ પ્રાપ્ત થતુ હોય છે, જેમાં કાળા અડદ, સરસવનું તેલ, સિંદૂર અને જો શક્ય હોય તો આંકડાનું કાળું પુષ્પ આજના દિવસે શનિ મહારાજ પર અર્પણ કરવામાં આવે તો શનિદેવની કૃપા વિશેષ રૂપે પૂજા કરનાર પ્રત્યેક ઉપાસકો પર જોવા મળતી હોય છે. કાળા ધતુરાનું પુષ્પ શિવજી અને કાળ ભૈરવને પણ અર્પણ કરવામાં આવે છે. કાળ ભૈરવને શિવજીના અવતાર તરીકે પણ સનાતન ધર્મમાં પૂજવામાં આવે છે ત્યારબાદ કાળા ધતુરાનું પુષ્પ શનિ મહારાજને પણ અર્પણ કરવામાં આવે છે.
શનિ મહારાજના વાહન પાડાનું મહત્વ: આજના દિવસે શનિ મહારાજના વાહન પાડાનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે જે રીતે શનિ મહારાજને કાળી વસ્તુથી પુજન કરી શકાય છે તેવી જ રીતે કાળો રંગ ધરાવતો પાડાને પણ શનિ ઉપાસકો દ્વારા કાળા અડદ અને ગોળ દિવસના મધ્યાનંતરે ભોજન તરીકે આપવામાં આવે તો જાતક પર શનિ મહારાજની કૃપા જોવા મળતી હોય છે. પાડાને ખોરાક આપવાથી શનિ મહારાજ પણ વિશેષ રીતે ખુશ થતા હોય છે.