જૂનાગઢ: આજથી બે વર્ષ પૂર્વે સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં માસુમ બાળકી પર જાતીય દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાનો મામલો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. શામજી સોલંકીએ પોતાની હવસ સંતોષવા ગામની જ નવ વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાના ઘરમાં બોલાવીને માસુમ પર દુષ્કર્મ આચાર્યુ હતુ. દુષ્કર્મ બાદ શામજી સોલંકીએ પોતાના આ અપરાધને છુપાવવા માટે માસુમ બાળકીનું ગળું દબાવીને હત્યા કરીને બીજો એક અપરાધ કર્યો હતો. આ બંને અપરાધ પર પરદો પડી જાય તે માટે બાળકીના મૃતદેહને કોથળામાં બંધ કરીને ગામની સીમમાં ફેંકી દીધો હતો. સમગ્ર મામલો ઉજાગર થતા જ પોલીસે આરોપી શામજી સોલંકીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.
સેશન્સ સ્કોર્ટે કરી સમગ્ર મામલાની સુનાવણી: જંત્રાખડી ગામ માસુમ બાળકી પર જાતીય દુષ્કર્મ થતા જ હતપ્રત બની ગયું હતું. સમગ્ર મામલામાં કોડીનાર પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી. ત્યારબાદ રેન્જ આઇ.જી અને જિલ્લા પોલીસવડા સહિત સમગ્ર જિલ્લાની પોલીસનો કાફલો પણ જંત્રાખડી ગામમાં દોડી ગયો હતો. પોલીસ પકડમાં રહેલા આરોપીને આકરી સજા થાય તે માટે ગામ લોકોની સાથે આરોપી શામજી સોલંકીના પરિવારજનોએ પણ પોલીસને રજૂઆત કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો કોડીનાર સેશન્સ કોર્ટમાં વિચારાધીન હતો. ત્યારે આજે સમગ્ર મામલાની સુનાવણી પૂર્ણ થઈ જતા કોડીનાર સેશન્સ કોર્ટે આરોપી શામજી સોલંકીને જાતીય દુષ્કર્મ અને બાળકીની હત્યાના ગુનામાં કસુરવાર સાબિત થતા તેને ફાંસીની સજા ફટકારી છે.
તાલુકાના ઇતિહાસમાં મોતની પ્રથમ સજા: કોડીનાર તાલુકાના ઇતિહાસમાં કોઈપણ આરોપીને જાતીય દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ કેસ હતો. દોઢ વર્ષ જેટલા સમયથી કોડીનાર સેશન્સ કોર્ટમાં સમગ્ર મામલાની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન કોર્ટે આરોપી શામજી સોલંકી હત્યા અને દુષ્કર્મના મામલામાં ગુનેગાર સાબિત થતા અંતે તેને મોતની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.