દિલ્હીઃ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ અને કેટલા ન્યાયાધીશો છે તેવો પ્રશ્ન આજે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં કર્યો હતો. તેના જવાબમાં ગુજરાત હાઈકોર્ટમાં 45 ટકા ન્યાયાધીશોની ઘટ હોવાનો ખુલાસો થયો છે. આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર અને તેની કાર્યપદ્ધતિ પર આકરા વાકપ્રહાર કર્યા છે.
45 ટકા કરતા વધુ જજોની ઘટઃ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે દેશની સંસદમાં મેં પ્રશ્ન પુછ્યો હતો કે, આપણી ગુજરાતની નામદાર હાઇકોર્ટમાં કેટલા જજ સાહેબની મંજૂર થયેલી જગ્યાઓ છે. તેની સામે કેટલી ભરેલી અને કેટલી ખાલી અને કોલેજિયમ સુપ્રીમ કોર્ટનું ભલામણ કરે છે એ પછી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરવા બાબતનો પ્રશ્ન પુછ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં પણ જજ સાહેબોની કુલ જગ્યાઓ 53 છે. આ 53 પૈકી માત્ર 29 જગ્યાઓ ભરેલી છે અને 23 જગ્યાઓ ખાલી છે. આમ ગુજરાતની હાઈકોર્ટમાં 45 ટકા કરતાં વધારે જજ સાહેબની જગ્યાઓ ખાલી છે.
સુપ્રીમ કોર્ટમાં કોલેજિયની ભલામણ પછી શા માટે વિલંબ?: દેશની સંસદમાં શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા પર સવાલ કર્યો હતો. જેના જવાબમાં ન્યાયાધીશોની 45 ટકા ઘટ હોવાનું સામે આવ્યું છે. તેથી શક્તિસિંહ ગોહિલે વિડીયો જાહેર કરીને ભાજપ સરકાર અને તેની કાર્યપદ્ધતિ પર આકરા વાકપ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે વિડીયોમાં જણાવ્યું હતું કે, આપણે બધા ફરિયાદ કરતા હોય એને કે કેસના નિકાલ શા માટે ઝડપથી થતા નથી પણ ક્યાંથી થાય જ્યારે 45 ટકા કરતાં વધારે જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય. તેથી સ્વાભાવિક રીતે છે જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં અને હાજર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમના ભલામણ પછી પણ જજ સાહેબોને નિમણુક કરવાનો પ્રયત્ન ક્યારે કરે છે? તે ખૂબ અગત્યનું છે.