વલસાડ: વલસાડ જિલ્લામાં દરેક ગામોમાં હાલમાં વિવિધ સરકારી કામો માટે સેવા સેતુ કાર્યક્રમ ગ્રામજનોના ઘર આંગણે આયોજિત કરવામાં આવી રહ્યો છે. જેથી લોકોને તેમના ઘર આંગણે સરકારની વિવિધ સવલતો ભરી સેવાઓ મળી રહે ત્યારે ધરમપુર તાલુકાના માંકડબન ગામે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આવેલા અનેક અરજદારોને ટોકન આપી મામલતદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયતમાં બોલાવવામાં આવ્યા એટલે કે સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર માત્ર કાગળો લઈ ટોકનો આપી દેવાયા છે.
27 ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો: ધરમપુર તાલુકાના કુલ 27 જેટલા ગામોનો સેવા સેતુ કાર્યક્રમ માંકડબન પ્રાથમિક શાળામાં આજે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મામલતદાર કચેરીના વિવિધ વિભાગો તેમજ તાલુકા પંચાયતના ખેતીવાડી આરોગ્ય સહિત અનેક વિભાગો દ્વારા પોતાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. ગામમાં જ વિવિધ અરજદારોને તેમના સરકારી કામો અને સરકારી યોજનાની સહાય મળે તે કામગીરી માટે આ કાર્યક્રમ યોજાયો હતો.
કેટલાક ગામોના અરજદારો આવ્યા: આ સેવા સેતુ કાર્યક્રમમાં બીલપુડી, ઝરિયા, ફુલવાડી, ભેંસદરા, ચીચોઝર, કેળવણી, ઉક્તા, ટીટુખડક, માંકડબન, સુંબી, કુરગામ, નાની વહિયાળ, ધામણી, બરૂમાળ, કાકડકુવા, શેરીમાળ, બારોલિયા, તિસ્કરી તલાટ, તામછડી, લાકડમાળ, પાનવા, ટાંકી, ભાંભા, બામટી, આસુરા, ખારવેલ, બારસોલ, રાનપાડા, વિરવલ, મોટી ઢોલડુંગરી, નાની ઢોલડુંગરી, મરઘમાળ, રાજપુરી તલાટ, ખટાણા, લુહેરી, કાંગવી, ઢાંકવળ, કરંજવેરી ગામોના અરજદારો આવ્યા હતાં.
માત્ર 40 લોકોના આધાર કાર્ડ અપડેટ થયા: ધરમપુરના માંકડબન ગામે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ અપડેટ માટે લાંબી કતારો જોવા મળી હતી. જોકે એકમાત્ર મશીન વહીવટી તંત્રએ આ સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ અપડેટ માટે લગાવ્યું હતું. એમાં પણ માત્ર 40 જેટલા અપડેટની મર્યાદા હતી. જેના કારણે 40 અરજદારોના અપડેટ માટેના કામ આજે લેવામાં આવ્યા હતા. અન્ય આવેલા લોકોને ટોકન નંબર આપી બીજા દિવસે ગ્રામ પંચાયત અથવા તો મામલતદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. સ્થળ ઉપર માત્ર 40 લોકોના અપડેટ કરાયા, જેના કારણે દૂર દૂરના ગામોથી આધાર કાર્ડ અપડેટ માટે આવેલા લોકો અટવાયા હતા. અપડેટની આશાએ આવેલા લોકોને માત્ર ટોકન પ્રાપ્ત થયું હતું.
આધાર કાર્ડ અપડેટ માટે 50 રૂપિયા ફી લેવાઈ: આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા એક વિશેષ કર્મચારીને ટેબલ નાખી બેસાડવામાં આવ્યો હતો. જેમના દ્વારા આધાર કાર્ડમાં એક મોબાઈલ નંબર અપડેટ કરવા માટે રૂપિયા 50ની ફી વસૂલ કરવામાં આવી રહી હતી. જે અંગે etv ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું કે,' તેઓ પોસ્ટ ઓફિસમાંથી અહીં આધાર અપડેટ માટે આવ્યા છે અને દરેક અપડેટ 50 રૂપિયા ફી લેવાનો આગ્રહ પોસ્ટ ઓફિસ તરફથી જ કરવામાં આવ્યો છે. આમ સેવા સેતુના નામે આધારકાર્ડ અપડેટમાં એક અરજદાર પાસેથી ₹50 ફી લેવામાં આવી રહ્યા હતા. જેને લઇને પણ અનેક લોકોમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
રેશનકાર્ડ વિભાજન માટે આવેલા લોકો અટવાયા: 27 ગામોમાંથી ગાડી ભાડું અને સમય ખર્ચીને પોતાના સરકારી કામ અર્થે આવેલા અનેક લોકોને વીલા મોઢે પરત જવાની ફરજ પડી હતી. સેવા સેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ અપડેટ માટે તેમજ રેશનકાર્ડ વિભાજન માટે આવેલા અનેક અરજદારોને તેમની પાસેથી જરૂરી કાગળો લઈ સ્થળ પર નિકાલ કરવાના સ્થાને તેમની પાસેથી કાગડો લઈ ટોકન આપી મામલતદાર કચેરી ઉપર બોલાવવામાં આવ્યા હતાં. તો કેટલાકને ગ્રામ પંચાયત કચેરી ખાતે અન્ય દિવસની તારીખ આપી બોલાવ્યા હોવાનું સ્થળ ઉપર આવેલા અરજદારોએ ખુદ જણાવ્યું હતું. સેવાસેતુમાં લોકો સેવા માટે આવેલા કર્મચારીઓએ માત્ર લોકોને ધક્કા ખવડાવવા સિવાય અન્ય કોઈ કામગીરી ન કરી હોવાનો બળાપો કાઢતા અનેક અરજદારો જોવા મળ્યા હતાં.
કેટલીક સામાજિક સંસ્થાઓએ સ્ટોલ લગાવ્યા: સેવા સેતુ કાર્યક્રમમાં આવનારા અનેક અરજદારો કઈ યોજનામાં કેટલા જરૂરી ડોક્યુમેન્ટસ જોઈએ છે અને તેના ફોર્મ કઈ રીતે ભરવા તે અંગેની માહિતી ધરાવતા ન હોતા. જેના કારણે અનેક અરજદારો ગ્રામીણ કક્ષાના અટવાઈ જતા હતા. આવા લોકોને મદદરૂપ થવા માટે કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પોતાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેમાં ધરમપુર તાલુકામાં ચાલતી કોહેઝોન નામની સંસ્થા દ્વારા પોતાનો સ્ટોલ લગાવી આવનારા અરજદારોને વિવિધ યોજનાના ફોર્મ ભરી આપવા અને જરૂરી કાગળો ડોક્યુમેન્ટો એકત્ર કરી આપવા માટેનું નિશુલ્ક કામગીરી કરતા પણ જોવા મળ્યા હતા.
આમ અંતરિયાળ ગામમાં લોકોની સેવા અને સરકારી યોજનાનો લાભ મળે તે હેતુથી પોતાના ગામમાં જ એક દિવસ માટે સરકારી ટેબલો લગાવી આ કામગીરી માત્ર નામ પૂરતી જ હોય તેવું જણાયું હતું. અનેક અરજદારો પોતાના કાગળો લઈ એક ટેબલથી બીજા ટેબલ દોડતા અને લાંબી કટારમાં ઉભેલા જોવા મળ્યા હતાં. પરંતુ સ્થળ ઉપર કામગીરી કરવાના સ્થાને તેમને અંતે મામલતદાર કચેરીએ બોલાવાયા હોવાનું પણ અરજદારો જણાવી રહ્યા હતા.
આ પણ વાંચો: