અમદાવાદઃ શહેરના બહેરામપુરા વિસ્તારમાં કોર્પોરેશનની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવી રહ્યો છે. બહેરામપુરા વિસ્તારમાં આવેલા હેલ્થ સ્ટાફ ક્વાર્ટરમાં છેલ્લા પાંચ વર્ષથી ગટરના ગંદા પાણી બહાર નીકળીને લોકોના ઘરમાં પહોંચી જાય છે. જ્યારે વહેલી સવારથી લઈ રાત સુધી નોકરિયાત વર્ગ સહિત નાના બાળકો શાળાએ જતા હોય ત્યારે આ સમસ્યાને લઇ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચોમાસાની સીઝનને લઈને રોગચાળો વધતો હોય છે અને રોગચાળાને લઈને કોર્પોરેશનના હેલ્થ વિભાગનું તો કહેવું જ શું? કેટલી તકેદારીઓ લેવાય છે? આમ સમસ્યા પરથી બેધ્યાન થતું કોર્પોરેશન પોતાના જ અન્ય વિભાગ માટે માથાકૂટો ઊભી કરી દેતું હોય છે.
વાતોના વડા અને વાસ્તવિક્તાઃ લોકો કહે છે કે, અમદાવાદના આ વિસ્તાર અંગે વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનું નિરાકરણ કોર્પોરેશન દ્વારા લાવવામાં આવી રહ્યું નથી. ત્યારે આ વિસ્તારમાં રહેતા નાના બાળકો પુરુષ મહિલા દરેકની વેદના કોઈના પણ નજરમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું નથી. અમદાવાદ શહેરમાં જ્યારે મારું શહેર, સારું શહેર અને સ્વચ્છ શહેર કહેવામાં આવી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. બહેરામપુરા વિસ્તારમાં રહેશો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતા આખરે રહીશોના ઘરમાં ગટરના ગંદા પાણી ઘૂસ્યા છે.
ભોજન બનાવતા પણ લોકોમાં ગભરાટઃ કોર્પોરેશન દ્વારા રોજ સવારે અને સાંજના સમયે પીવાનું પાણી લોકોના ઘરે પહોંચાડવામાં આવતું હોય છે પરંતુ આ વિસ્તારમાં પીવાના પાણીની સાથે સાથે ગટરનું પાણી પણ ભેળસેળમાં આવી પહોંચતુ હોવાની ફરિયાદો રહે છે. ત્યારે લોકોમાં ભોજન બનાવતા પણ ડરનો માહોલ ઊભો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ગટરના ગંદા પાણીના લીધે શાળાએ જતા બાળકો બીમાર પડે છે. બારે મહિના વરસાદ હોય કે ના હોય ગટરના ગંદા પાણી આ વિસ્તારમાં જમા થયેલ જોવા મળે છે. રોગચાળા માટે જ્યારે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારના કેમ્પેઇન કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં રોગચાળોને સામેથી કોર્પોરેશન આમંત્રણ આપતું હોય તેવું દેખાઈ રહ્યું છે. તંત્રએ પોતાની સ્વજાગૃત્તિ માટે પણ એકાદ કેમ્પેઈન કરી નાખવું જોઈએ તેવું લોકોનું માનવું છે. એક તરફ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ક્યારે આ વિસ્તારમાં કોઈ મોટો રોગચાળો ફેલાય તે પહેલા કોર્પોરેશન દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ છે.