જૂનાગઢ: જિલ્લામાં પાછલા 5 દિવસથી મેઘરાજા સતત વરસી રહ્યા છે, જેને કારણે હવે ગામડામાં મુશ્કેલ પરિસ્થિતિ સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢ પોલીસ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની વહારે આવ્યા હતી. પોલીસે પૂરગ્રસ્ત વિસ્તારોમાં નિ:સહાય લોકોની મદદ કરીને પોતાની ફરજ બજાવીને પ્રશંસનીય કામગીરી કરી છે.
જૂનાગઢ પોલીસે કરી સેવાની કામગીરી: માણાવદર, માંગરોળ અને વંથલી તાલુકામાં જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વયોવૃદ્ધ મહિલાઓ, નવજાત બાળક સાથેની એક માતા અને પશુધનને પૂરના પાણીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢીને પોલીસે સુરક્ષાની સાથે સેવાની કામગીરી પણ કરી હતી.
સૌથી અસરગ્રસ્ત માણાવદર અને વંથલી: પાછલા 5 દિવસથી જૂનાગઢ જિલ્લાના માણાવદર અને વંથલી તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે તાલુકાના ગામડાઓમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરીને તેમને સુરક્ષિત રીતે પૂરના પાણીમાંથી બહાર કાઢીને સુરક્ષાનું વાતાવરણ ઊભું થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા નિરીક્ષણ: જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા આ સમગ્ર કામગીરીનું ખુદ નિરીક્ષણ કરી રહ્યા છે. તેઓ પણ જે વિસ્તારમાં વધુ વરસાદ છે તેવા ગામોમાં મુલાકાત કરી છે. પોલીસ કર્મચારીઓ શક્ય તેટલી તમામ મદદ કરવા માટે પણ આગળ આવી રહ્યા છે.