જૂનાગઢ : રાજ્યના ચીફ ઇન્કમટેક્ષ કમિશનર સંજીવ જૈનની ઉપસ્થિતિમાં જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે આવકવેરા અંગે એક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ શહેરની વિવિધ નાણાકીય સંસ્થાના પ્રતિનિધિઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહભાગી થયા હતા. આ દરમિયાન ટેક્સમાં પડતી મુશ્કેલીઓના નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આવકવેરા સંબંધિત સેમિનાર : જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આવકવેરાની ધારા 80G અને 12A અંતર્ગત ટેક્સમાં મળતી રાહત અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં જૂનાગઢના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સાથે જાહેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવકવેરા વિભાગમાં 80G અને 12A હેઠળ મળતા કેટલાક લાભને લઈને એકાઉન્ટન્ટ અને જાહેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને મુશ્કેલી અને વિસંગતતા હતી. આ અંગે રાજ્યના ચીફ આવકવેરા કમિશનર સંજીવ જૈનની સાથે જૂનાગઢના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટ્રસ્ટીઓએ ચર્ચા કરી હતી.
CA અને ટ્રસ્ટીઓ સાથે બેઠક : આ બેઠકમાં 80G અને 12A માં જોવા મળતી મુશ્કેલી અને વિસંગતતાને કઈ રીતે દૂર કરી શકાય તે માટે સામૂહિક વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને આપવામાં આવતી રાહતમાં મુખ્યત્વે 80G અને 12 A નો દાન આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જેમાં શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે જાહેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ આવકવેરામાં 80G અને 12 A અન્વયે કેવી રીતે લાભ થઈ શકાય તે અંગે અનેક મુશ્કેલીઓ હતી.
ઇન્કટેક્સ કમિશનરે આપી માહિતી : કાયદામાં વખતો વખત થતા સુધારા અને ફેરફારના કારણે પણ જાહેર ટ્રસ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટને મુશ્કેલી ઊભી થઈ રહી હતી. 80G અંતર્ગત કોઈપણ રજૂઆત કરવા માટે સમયગાળો આપવામાં આવતો હતો. પરંતુ કમિશનર કચેરીએથી નિર્ણય થવામાં વિલંબને કારણે આ સમયગાળો પૂર્ણ થઈ જતો હતો. જેના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જાહેર ટ્રસ્ટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવતા લાભથી વંચિત રહેતા હતા. જો ટેકનિકલ સુધારો થાય તો આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને આપવામાં આવતા લાભનું સીધું અર્થઘટન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા થઈ શકે. ઉપરાંત તેનો સીધો લાભ કરદાતાઓને અને ખાસ કરીને જાહેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને મળી શકે છે.