ભાવનગર : જિલ્લામાં બીજી વખત વરસાદી માહોલ ઉભો થયો છે. ખાસ કરીને સિહોર અને ખોડીયાર મંદિર વિસ્તારના પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. ભાવનગરના ખોડીયાર મંદિર ખાતે પણ ભારે પવન સાથે વરસાદ વરસતા તાડપત્રીઓ ઉડતી નજરે પડી હતી. આમ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
મેઘરાજાનો બીજો રાઉન્ડ : ભાવનગર જિલ્લામાં થોડા દિવસો પહેલા જ ઉમરાળા, વલભીપુર અને સિહોર સહિત ભાવનગર સુધી મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું હતું. જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે ઉમરાળા, વલભીપુર, સિહોર અને ભાવનગર તાલુકાના કેટલાક ગામડાઓમાં ખેડૂતો માટે ખુશીનો દિવસ બની ગયો હતો. ત્યારે ફરી બીજી વખત વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ભારે પવનથી ઉડી તાડપત્રી : ભાવનગર જિલ્લાના ખોડીયાર મંદિર ખાતે બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટાને કારણે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખોડીયાર મંદિર બહાર વેપારીઓની દુકાનોની તાડપત્રીઓ ભારે પવનને કારણે ઉડવા લાગી હતી. જોકે ભારે પવનની સાથે વરસાદ પણ હોવાને કારણે વ્યાપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આવતા જતા શ્રદ્ધાળુઓને પણ પવન સાથે વરસાદને પગલે હાલાકી ભોગવવી પડી હતી.
જોરદાર વરસાદની આશા : ભાવનગર જિલ્લામાં મેઘરાજાના આગમન પગલે ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ જે રીતે મેઘરાજાનું આગમન થવું જોઈએ અને વરસાદ વરસવો જોઈએ તે રીતે વરસાદ નોંધાયો નથી. પહેલી વરસેલા વરસાદમાં વખત ઉમરાળા, ભાવનગર અને શિહોર પંથકમાં માત્ર 11 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજી વખત શરૂ થયેલા વરસાદના પ્રારંભમાં પણ વધુ વરસાદની આશા સેવાતી નથી. જોકે ખેડૂતોને અપેક્ષા છે કે સારો એવો વરસાદ વરસે તો ખેતીને ફાયદો થઈ શકે એમ છે.