ડાંગ: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા, અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024’નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ, પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસીય સુવિધાઓના વિકાસ માટે વિશેષ ધ્યાન આપી રહી છે.
'મેઘ મલ્હાર પર્વ 2024'નો પ્રારંભ: ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસની પથરાયેલી ચાદર વચ્ચે રીમઝીમ રીમઝીમ વરસતા વરસાદમાં, પ્રવાસન મંત્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને 'મેઘ મલ્હાર પર્વ 2024'નો પ્રારંભ કરાવ્યો હતો. ટુરિઝમ કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ મંત્રી સહિતના મહાનુભાવોનું પુષ્પ, અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત કર્યું હતું.
'મોન્સુન ફેસ્ટિવલ' નો આજે પ્રારંભ: ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ, રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા 29 જુલાઈથી 28 ઓગસ્ટ, એક માસ માટે 'મોન્સૂન ફેસ્ટિવલ'નું ભવ્ય આયોજન કર્યું છે. સને 2009થી શરૂ કરાયેલા 'મોન્સુન ફેસ્ટિવલ' નો આજથી પ્રારંભ થયો છે.
મહાનુભાવોએ ફ્લેગ ઓફ કર્યું: પર્વની શરૂઆત સ્થાનિક કાલથી: પ્રવાસન નિગમની હોટેલ તોરણ ખાતેથી, રંગબેરંગી પરેડ અને ભવ્ય શોભયાત્રાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, કલાકારો, મનોરંજક પાત્રો, અલગ અલગ વેશભૂષામાં સજજ કલાકારો, ડાંગી આદિવાસી નૃત્ય, તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. જ્યારે 'મેઘ મલ્હાર પર્વ' ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી ‘રેઇન રન મેરેથોન’ને પણ મંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
સાપુતારામાં 18 જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો: સાપુતારા આવતા પ્રવાસીઓ, ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે, અને સ્થાનિક કલાકારોને પણ રોજગારી મળી રહે તે હેતુથી, કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર-શનિ-રવિ એમ જાહેર રજાના દિવસે, તેમજ સાપુતારાના મુખ્ય સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ 'દહીં હાંડી' કાર્યક્રમનું પણ અહી, ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને ડાંગ જિલ્લાના આજુ બાજુમાં આવેલા 18 જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો પણ જોવા, જાણવા, અને માણવા મળશે.
મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા: મોન્સુન ફેસ્ટિવલના ઉદઘાટન કાર્યક્રમમાં પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે મેનેજિંગ ડિરેક્ટર એસ. છાકછુઆકે આભાર દર્શન કર્યું હતું. સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડાંગ કલેકટર બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા સહિત, દેશ વિદેશના પ્રવાસીઓ, જિલ્લા અધિકારીઓ, પ્રવાસન નિગમના અધિકારીઓને, સાપુતારા અને ડાંગના નગરજનો, મીડિયા કર્મીઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.