સુરત: પડતર પ્રશ્નોને લઇને હડતાળ પર ઉતરેલા તરસાડી નગર પાલિકાના સફાઈ કામદારો આજરોજ વિફર્યા હતા. સફારી કામદારોએ અને પાલિકાના મુખ્ય ગેટને તાળું મારી દેતા અરજદાર, અધિકારીઓ અને પાલિકાના હોદ્દેદારો પાલિકામાં ગોંધાઈ જતાં પોલીસ દોડતી થઇ હતી, અને મધ્યસ્થી કરી તાળું ખોલાવ્યું હતું.

પાલિકાના મુખ્ય ગેટને તાળું: બાબત એમ છે કે, આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી તરસાડી નગર પાલિકા વધુ એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. છેલ્લા પાંચ-છ દિવસથી તરસાડી નગર પાલિકાના સફાઈ કામદારો કામ માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવે, કાયમી કરવામાં આવે ઉપરાંત કોન્ટ્રાકટર પ્રથા રદ કરાઇ, લઘુતમ વેતન આપવામાં આવે તેવી માંગ સાથે વાલ્મીકિ સમાજ ગુજરાત સંગઠનના નેજા હેઠળ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે પાંચ-છ દિવસ વીત્યા છતાં પાલિકાના સત્તાધીશો એ માંગ ન સ્વીકારતાં કામદારો વિફર્યા હતા અને પાલિકાના મુખ્ય ગેટ પર પહોંચી ગેટને તાળું મારી દીધું હતું. આથી પાલિકાની અંદર રહેલા અરજદારો, અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગોંધાઈ ગયા હતા. પરિસ્થિતિની જાણ થતાં સ્થળ પર આવેલ પોલીસે કામદારોને સમજાવી ફરી તાળું ખોલ્યું હતું.

હડતાળ સમાપ્ત ન થાય તો વિશેષ વ્યવસ્થા કરાશે: આ સંપૂર્ણ મુદ્દે તરસાડી નગર પાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ-છ દિવસથી વિવિધ માંગણીઓને લઇને સફાઈ કામદારો દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. અને અચાનક તેઓએ જાણ કર્યા વગર પાલિકાના મુખ્ય ગેટને તાળું મારી દીધું હતું. તેઓની હડતાળ પૂર્ણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જો હડતાળ નહિ સમાપ્ત થાય તો વિશેષ વ્યવસ્થાઓ કરી નગરની સાફ સફાઈ કરાવવામાં આવશે જેથી લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય.