હૈદરાબાદ: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી સચિન અશોક શર્માએ (IRTS 2008) 5 થી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પડકારજનક લદ્દાખ મેરેથોન 2024માં ભાગ લીધો હતો. તેમણે 122 કિલોમીટરની સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન એન્ડ્યુરન્સ રેસમાં ભાગ લીધો હતો અને આ પડકારજનક રેસ 20 કલાક અને 39 મિનિટમાં પૂરી કરી હતી.
પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, સચિન અશોક શર્માએ 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન 20 કલાક અને 39 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ રેસ 5 સપ્ટેમ્બર 2024ના રોજ 19.00 કલાકે ક્યાગર ગામથી શરૂ થઈ હતી, જે નુબ્રા ઘાટીમાં સિયાચીન બેઝ કેમ્પની દક્ષિણમાં સ્થિત છે અને સચિન શર્મા 6 સપ્ટેમ્બર 2024ના રોજ 15.39 કલાકે સમાપ્તિ રેખા પર પહોંચ્યા હતા.
સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન (122 કિમી) એ એક હાઇ અલ્ટિટ્યુડ અલ્ટ્રા-મેરેથોન છે. જે સમુદ્ર તલથી લગભગ 10,500 ફીટ (ASL) થી શરૂ થાય છે, ખારદુંગ લાને પાર કરે છે જે 18,000 ફીટ ASL પર છે અને લેહ માર્કેટ (10,500 ફીટ ASL) પર સમાપ્ત થાય છે. આ રેસ વિશ્વની સૌથી અઘરી ફૂટ રેસમાંની એક છે. આ વર્ષે માત્ર 50% સહભાગીઓ આ મુશ્કેલ રેસ પૂર્ણ કરી શક્યા હતા. આ હાઇ એન્ડ્યુરન્સ રેસમાં ભાગ લેનાર અને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સચિન શર્મા એકમાત્ર રેલવે અધિકારી અને લોક સેવક છે.
અગાઉ શર્માએ 2022માં 42 કિમીની લદ્દાખ ફુલ મેરેથોન, 2023માં 72 કિમીની ખારદુંગ લા ચેલેન્જ અને 42 કિમી લદ્દાખ ફુલ મેરેથોન, દક્ષિણ આફ્રિકામાં આયોજિત કોમરેડ્સ મેરેથોન (86 કિમી) અને દેશભરમાં અન્ય કેટલાક અલ્ટ્રા અને અન્ય મેરેથોન અને ટ્રાયથલોનમાં પણ ભાગ લીધો છે. પશ્ચિમ રેલ્વે સચિન શર્માને તેમની નોંધપાત્ર સિદ્ધિ માટે અભિનંદન પાઠવે છે અને તેમને આગામી દોડ માટે તમામ સફળતાની શુભેચ્છા પાઠવે છે.