સુરત : સુરત શહેરમાં રોજગાર અર્થે વસેલા સેંકડો પરપ્રાંતીય લોકો હોળી, દિવાળી કે ઉનાળાની સિઝનમાં પોતાના વતન જતા હોય છે. આ સ્થિતિમાં સુરત રેલવે સ્ટેશન પર ઘસારો જોવા મળે છે. ગત દિવાળી સિઝનમાં ધસારાના કારણે એક યાત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રેલવે વિભાગ સજ્જ જોવા મળ્યું હતું.
વતન પરત જતા પરપ્રાંતીય લોકો : હોળી પર્વ માટે સુરત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રહેતા બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના પરપ્રાંતીય લોકો પોતાના વતન જતા હોય છે. દર વખતે આવા સમયે ક્રાઉડ મેનેજમેન્ટના અભાવના કારણે રેલવે સ્ટેશન પર અવ્યવસ્થા જોવા મળતી હોય છે. જેને ધ્યાનમાં રાખી ક્રાઉડ કંટ્રોલ કરવા માટે રેલવે સ્ટેશન પર ખાસ સ્કોડ જોવા મળી છે. હાલ સિઝનમાં 40 થી વધુ ટ્રેનો જોડવામાં આવી રહી છે, તેમ છતાં યાત્રીઓ કલાકો સુધી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા નજરે પડ્યા હતા.
પશ્ચિમ રેલવેની સ્પેશિયલ સ્કોડ : આ વખતે આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી ન થાય આ તે માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ સ્કોડની રચના કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના અધિકારીઓ મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર તૈનાત હતા. RPF સહિત રેલવે પોલીસ સ્ટાફ સતત ક્રાઉડ મેનેજમેન્ટ કરી રહ્યા હતા. સ્લીપર કોચમાં જનરલ યાત્રીઓ ન બેસી જાય આ માટે પણ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન પર મહિલા પોલીસ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
રેલવે સ્ટેશન પર યાત્રિકોનો ધસારો : યાત્રીઓને હોલીડે સ્પેશિયલ અને ખાસ અન્ય જનરલ ટ્રેનોની સુવિધા મેળવી શકે આ માટે સુવિધા છે. જે અંગે રેલવે વિભાગ સમજાવી રહ્યા છે જેથી એક જ ટ્રેનમાં મોટી સંખ્યામાં યાત્રીઓ ન જાય. આ સાથે રેલવે સ્ટેશન પર આવેલા યાત્રીઓ ટ્રેનમાં વ્યવસ્થિત જઈ શકે આ માટે સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. હોળીના પર્વને ધ્યાનમાં રાખી ઘણી ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તેમ છતાં રેલવે સ્ટેશન પર ટ્રેનમાં અનારક્ષિત કોચ માટે મોટી લાઈન જોવા મળી હતી. ટ્રેનના સમયથી આશરે 10 થી 15 કલાક પહેલા જ યાત્રીઓ રેલવે પ્લેટફોર્મ પર આવી ગયા હતા.
ટિકિટ કન્ફર્મ થતી નથી : ઉત્તરપ્રદેશના રહેવાસી કમલેશે જણાવ્યું હતું કે, હું એક દિવસ પહેલા જ ત્રણ વાગ્યાથી આવી ગયો હતો. જોકે ટિકિટ કન્ફર્મ ન થતાં હું કલાકોથી પ્લેટફોર્મ પર હતો. હોળી માટે ઉત્તર પ્રદેશ પોતાના વતન જઈ રહ્યો છું.
અંતહીન કતાર : અન્ય એક યાત્રી પંકજે જણાવ્યું હતું કે, હું એક દિવસ પહેલા ત્રણ વાગ્યે રેલવે સ્ટેશન પર આવી ગયો હતો. અહીં લાઈનમાં બેસાડવામાં આવ્યા છે. આમ તો કોઈ સમસ્યા નથી, પરંતુ ક્યારેય આગળ બેસાડે છે ક્યારે લાઈનની પાછળ બેસાડે છે.
અનેક કલાકોની રાહ : સુરેશભાઈએ જણાવ્યું હતું કે, હું સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે નોકરી કરું છું. હાલ હોળીના પર્વ માટે પોતાના વતન જઈ રહ્યો છું. કલાકોથી લાઈનમાં અમે બેસ્યા છીએ, રાતથી અમે લાઈનમાં બેસ્યા હતા.
રેલવે સ્ટેશન પર ક્રાઉડ મેનેજમેન્ટ : પશ્ચિમ રેલવેના જન સંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે સારી રીતે તૈયારી કરતા હોઈએ છીએ. પરંતુ આ વખતે સૌથી વધુ સુવિધા લોકોને મળી શકે આ માટે કટિબદ્ધ છીએ. સિઝનને ધ્યાનમાં રાખી 40 થી વધુ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, 150 થી વધુ ફેરા થઈ રહ્યા છે. સાથે રેલવે સ્ટેશન પર યાત્રીઓને કોઈપણ પ્રકારે અસુવિધા ન થાય આ માટે ક્રાઉડ મેનેજમેન્ટ કરવા અમારા તમામ અધિકારીઓ અને રેલવે પોલીસના જવાનો તૈનાત છે.