દેવભૂમિ દ્વારકા : લોકસભા ચૂંટણી 2024 આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. લોકતંત્રના આ પર્વમાં દરેક નાગરિક મતાધિકારનો ઉપયોગ તે માટે મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રન ફોર વોટ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આયોજિત રન ફોર વોટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને ખંભાળિયાના તમામ માર્ગો પર રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના તમામ લોકો મતદાન અવશ્ય કરવા જાય તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાએ પણ તમામ લોકોને 7 મેના રોજ લોકશાહીના આ મહાપર્વમાં વોટ રૂપી યોગદાન આપી લોકશાહીને વધુ મજબૂત કરવા આહવાન કર્યું છે. સ્થાનિક લોકો સહિત જિલ્લાના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
જનતા જોગ અપીલ : દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાએ જણાવ્યું કે, રન ફોર વોટ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લાના તમામ નાગરિક મતદાન કરે અને વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે, જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો. ઉપરાંત અન્ય NGO અને સેવાભાવી સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો. હું દ્વારકાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે, 7 મે, મંગળવારના રોજ પોતાનો મત જરૂર આપે.