રાજકોટ: બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ અને વાન-રીક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ. ગાંધી દ્વારા તારીખ 9 ઓગસ્ટ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી-ખાનગી સ્કૂલો, કોલેજ, કોચિંગ ક્લાસના આચાર્ય-સંચાલક તેમજ સ્કૂલવાન, સ્કૂલ બસ, સ્કૂલ-રીક્ષા ચલાવતા માલિક-ડ્રાઇવરો માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડ્રાઇવરની માહિતી, અગ્નિશામક સાધનો, CCTV, સ્પીડ ગવર્નર, આપાતકાલીન દરવાજો સહીતની 9 ઓગસ્ટ સુધીમાં પૂર્તતા કરવા અધિક કલેક્ટરનો આદેશ કરવામાં આવ્યો છે.
શું છે નવા નિયમ કાયદા: સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટો રિક્ષા-વાનમાં આરટીઓ માન્ય કેપેસિટી જેટલા જ બાળકો બેસાડવાના રહેશે. આ વાહનો પર સ્કૂલ વર્ધી એમ સ્પષ્ટ દેખાય તે પ્રમાણે લખવાનું રહેશે. જેમાં પ્રાથમિક સારવારની પેટી,અગ્નિશામક સાધનો, ઉતારું કમ્પાર્ટમેન્ટની વધારાની બેઠક વ્યવસ્થા, બારીઓ પર જાળી રાખવી ફરજિયાત રહેશે. રીક્ષા-વાનમાં સીએનજી એલપીજી સિલિન્ડર પર પાટિયું રાખીને કે ડ્રાઇવરની સીટ પર બાળકોને બેસાડી શકાશે નહીં. વાહનમાં બાળકોના દફતર બહારની બાજુ લટકાવી શકાશે નહીં તેમજ ચારે તરફ લાલ રંગમાં સ્કૂલ વાન શબ્દ ચિતરાવવાનો રહેશે. તમામ સૂચનાઓની અમલવારી શાળા, કોલેજ કોચિંગ ક્લાસના આચાર્ય-સંચાલક, બસ-રિક્ષાવાળાના માલિક અને ડ્રાઇવરોએ કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનારને સજા થશે તેમ જાણવામાં આવ્યું છે.
સ્કુલ બસમાં સ્પીડ ગવર્નર લગાવવું ફરજિયાત: નિર્દેશો અનુસાર બસના બહારના ભાગમાં ડ્રાઇવરની માહિતી નામ, સરનામું, લાઇસન્સ નંબર, બેજ નંબર અને શાળાનો કે બસ માલિકનો ટેલિફોન હેલ્પલાઇન નંબર, રજિસ્ટ્રેશન નંબર, વાહનની અંદર-બહારની તરફ કોન્ટ્રાસ્ટ રંગમાં મુસાફર અને જનતાને સ્પષ્ટ રીતે દેખાય તેવી રીતે લખવાના રહેશે. ઉપરાંત બસની બારીઓ પર આડી પટ્ટીઓ અને જાળી, દરવાજા પર વિશ્વસનીય લોક તેમજ બસમાં આપાતકાલીન સમયે બહાર જવા માટેનો દરવાજો રાખવાનો રહેશે. આ અંગે શાળા પ્રશાસનએ જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે. સ્કુલ બસમાં સ્પીડ ગવર્નર લગાવવું ફરજિયાત રહેશે. દરેક સ્કૂલ બસમાં abc પ્રકારના 5 કિલોની ક્ષમતાવાળા અને ISI પ્રમાણિત કરાયેલા બે અગ્નિશામક જેમાંથી એક ડ્રાઇવર કેબીન અને બીજું આપાતકાલીન દ્વાર પાસે રાખવાનું રહેશે. તેના વપરાશ અંગે ડ્રાઇવર, કંડકટર,એટેન્ડન્ટને તાલીમ આપવાની રહેશે.
બસમાં એક પ્રાથમિક સારવાર પેટી: તો વધુમાં બસની બેઠકો બિન દહનશીલ પદાર્થમાંથી બનાવેલી હોવી જરૂરી, જીપીએસ સિસ્ટમ અને સીસીટીવીની વ્યવસ્થા સાથે દરેક સ્કૂલ બસમાં તે ફરજિયાત કાર્યરત અવસ્થામાં રાખવાના રહેશે. સ્કુલ બસમાં એક પ્રાથમિક સારવાર પેટી, કટોકટીના સમયે ચેતવણી આપવા માટે એલાર્મ બેલ લગાવવાના રહેશે. તેમજ બસમાં કાચ પર ફિલ્મ કે પડદા લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. બસના ડ્રાઇવર પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ, ટેક્સ પરમીટ, પીયુસી તેમજ સ્કૂલ બસના મુસાફરોનો માન્ય વીમો રાખવાનો રહેશે. ડ્રાઇવરની શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત રહેશે. જે સમયાંતરે રિચેકઅપ મેળવતા રહેવાનું રહેશે.