કચ્છઃ રાપરના ચિત્રોડ નજીક પોલીસ જાપ્તામાંથી લૂંટનો આરોપી નાસી જતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ રાપરના પેટ્રોલપંપમા છરી વડે હુમલો કરીને લાખોની લૂંટ કરી હતી.આજે જ્યારે તેને પોલીસ કોર્ટ મુદ્દતે લઇ જતી હતી તે સમયે ચિત્રોડ ફાટક પાસેથી તે ફરાર થયો હતો. આરોપીને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કોર્ટમાં રજૂ કરવા લઈ જતી વખતે ફરારઃ ગાંધીધામની ગળપાદર જેલમાં બંધ લૂંટના આરોપીની આજે રાપર કોર્ટમાં તારીખ હોવાથી તેને પોલીસ જાપ્તા સાથે લઈ જવામાં આવી રહ્યો હતો. જ્યાં ચિત્રોડ નજીક રેલવે ફાટક બંધ હતું ત્યારે પોલીસનું વાહન ઉભુ રહ્યું હતું. આરોપી સુખદેવે પોલીસકર્મીઓને ચકમો આપી નાસી જતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. પોલીસ જાપ્તામાંથી નાસી છુટેલા આરોપીને ઝડપી પાડવા પૂર્વ કચ્છ પોલીસતંત્ર દોડતું થયું છે.
12.79 લાખની લૂંટઃ 26 નવેમ્બર 2023ના દિવસે રાપરના ત્રમ્બો રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપમાં આરોપી સુખદેવે એક સગીર આરોપી સાથે મળીને રૂ. 12.79 લાખની લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયો હતો. જોકે આ લૂંટને અંજામ આપનાર આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા હતા. લૂંટના કેસમાં ગળપાદરની જેલમાં કેદ સુખદેવને કોર્ટમાં તારીખ હોતા આજે રાપર કોર્ટમાં રજૂ કરવા લઈ આવતા સમયે તે ચિત્રોડ નજીકના રેલવે ફાટક બંધ હોતા પોલીસની ટીમને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.
રીઢો ગુનેગારઃ ચિત્રોડ વિસ્તારમાં ઘટના બની છે માટે ગાગોદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પ્રજાપતિ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન કરાયા છે. પોલીસની ટીમ શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ફરાર આરોપી સુખદેવ સામે અગાઉ પણ લૂંટ અને મારામારી જેવા ગુના નોંધાયેલા છે.