રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા કમિશનર દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 2817.81 કરોડનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્રમાં મ્યુનિસિપલ કમિશનરે રૂ. 17.77 કરોડના નવા કરવેરા સુચિત કર્યા હતા. આ વાર્ષિક અંદાજપત્રનો વિસ્તૃત અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 25.71 કરોડનો નજીવો વધારો કરી નાણાકીય વર્ષ 2042-25 માટે રૂ. 2843.52 કરોડનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે.
બજેટ 2024-25 : રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2024-25 માટે રૂપિયા 2843.52 કરોડનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરના પ્રબુદ્ધ નાગરીકો, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મહાનુભાવો દ્વારા રજુ થયેલ સુચનો ધ્યાને લઈ વાર્ષિક અંદાજપત્રમાં નવી યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવી હતી. આ બજેટમાં રૂ. 50 કરોડની જોગવાઈ સાથે નવી 18 યોજનાઓ દાખલ કરાઈ છે.
રાજકોટમાં બનશે નવો ઝોન : રાજકોટ મહાનગરપાલિકાના 50 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મનપા દ્વારા રૂ. 50 કરોડની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજકોટમાં સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ ઝોન હતા, ત્યારે હવે રાજકોટમાં નવો સાઉથ ઝોન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ત્રણ વિધાનસભામાં નવા ત્રણ મહિલા હોકર્સ ઝોન ઊભા કરવામાં આવશે. જ્યારે દરેક કોર્પોરેટરની વાર્ષિક ગ્રાન્ટ રૂ.15 લાખથી વધારીને રૂ.30 લાખ કરવામાં આવી છે. તેમજ મેયર, ડેપ્યુટી મેયર, સહિતના હોદેદારોની વાર્ષિક ગ્રાન્ટમાં રૂ.2 લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
બજેટની સૌથી મોટી જાહેરાત : રાજકોટમાં પુસ્તકાલયના નવીનીકરણ માટે રૂ. 45 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે, હવે શહેરમાં સિનિયર સિટીઝન, દિવ્યાંગ, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મનપા સંચાલિત સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરવાનો લાભ મળશે. શહેરના વિવિધ વિસ્તારોમાં 7.5 ઇંચ સાઈઝના વોટર પ્રુફ કોટિંગ રોડ બનાવવામાં આવશે. જેના કારણે વરસાદની સીઝનમાં વારંવાર શહેરમાં રોડ-રસ્તા તૂટવાના મામલા ઓછા થશે. જ્યારે મોરબી રોડ પર નવું સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવશે.
શહેરના રોડ બનશે વોટર પ્રુફ : રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલતી 61 આંગણવાડી માટે બિલ્ડિંગમાં બનાવવામાં આવશે. આ સાથે જ રાજકોટ મનપા સંચાલિત માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવાની વાત પણ બજેટમાં કરવામાં આવી છે. રાજકોટ મનપા સંચાલિત કચેરીઓમાં વીજ બિલ ઘટાડવા માટે રૂફટોપ લગાડવામાં આવશે. જ્યારે શહેરના કિસાનપરા રોડથી મહિલા અંડરબ્રિજ સુધી પાયલટ પ્રોજેક્ટ રૂપે નવો રોડ બનાવવામાં આવશે.