છોટાઉદેપુર: જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સતત વધતાં ચોરીના બનવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. પરિણામે સ્થાનિકો દ્વારા રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી.
કયાં ક્યાં થયાછે ચોરીના બનાવ: થોડા દિવસ અગાઉ જ કવાંટ તાલુકાના પીપલદા ગામે રહેતા નિઃસંતાન દંપતી ને ત્યાં રાત્રીના સમયે મહિલાના બન્ને પગ કાપી ચાંદીના કલ્લા ચોરી ચોરોએ નિઃસંતાન દંપતીની હત્યા કરી હતી. ત્યારબાદ બોડેલી નગરમાં મોબાઈલની દુકાનના તાળા તોડી દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ હતી. પરિણામે જેતપુર, પાવી અને બોડેલી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રાત્રીના સમયે ચોરો ચોરી કરવા આવતા હોવાથી ગામના લોકો ભેગા મળી આખી રાત પહેરો ભરી રહ્યા છે.
જિલ્લા પોલીસવડા આઈ. શેખને ફરિયાદ: આ તમામ ઘટના અંગેની ફરિયાદ જિલ્લા પોલીસવડા આઈ. શેખને કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા આઈ. શેખે પ્રેસ કોન્ફ્રેંસ યોજી જિલ્લાની જનતાને અપીલ કરી હતી.
પ્રેસ કોન્ફ્રેંસ દરમિયાન આઈ.જી. શેખે જણાવ્યું હતું કે, "અમારી સમક્ષ કેટલીક રજૂઆતો આવી છે, કે રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓ અને વાહન ચોરીના બનાવો બની રહ્યા છે. આથી જિલ્લામાં પોલીસ પોઇન્ટ વધારવામાં આવશે. થોડા દિવસ અગાઉ પીપલદા ગામમાં નિઃસંતાન દંપતીના ઘરમાં ચોરી થઈ હતી, પણ ચોરોને દંપતી ઓળખી જતાં ચોરીની વાત જાહેર નહીં થાય તે માટે ચોરોએ દંપતીની હત્યા કરી હતી. આ બંને ચોરોની ધરપકડ કરવામાં આવી છે. બોડેલી મોબાઈલની દુકાનમાં ચોરી કરનારા ચોરોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, ટૂંક સમયમાં જ ચોરોને ઝડપી પાડવામાં આવશે."
કાયદો હાથમાં લેવાની કોશિશ કરવી નહીં: જિલ્લા પોલીસવડાએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રીના સમયે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવે તો પોલીસને જાણ કરવી પણ કાયદો હાથમાં લેવાની કોશિશ કરવી નહીં. જો લોકો કાયદો હાથમાં લેશે તો, તેમને પણ કાયદાકીય પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે.