સુરત : માંગરોળ તાલુકાની પીપોદરા GIDC માં ફરી બબાલ મચી છે. તાજેતરમાં સાપ્તાહિક રજાની માંગણી બાબતે થયેલી ધમાલ બાદ છ દિવસની શાંતિ પછી ફરી કેટલાક કામદારોના ટોળાએ તોફાન મચાવ્યું હતું. કેટલાક અસામાજિક તત્વો વિવિધ કંપનીઓમાં ઘૂસી ગયા હતા. ઉપરાંત કંપનીમાં કામ કરી રહેલા અન્ય કામદારોને ધમકાવી-ભડકાવી કામ બંધ કરાવ્યું હતું. કંપની માલિકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પીપોદરા GIDC માં ફરી સુરત જિલ્લા પોલીસ કાફલો ગોઠવાયો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
શું હતો મામલો ? નોંધનીય છે કે, તાજેતરમાં જ પીપોદરા GIDC માં કેટલાક મિલમાલિકોએ એક કામદારને માર માર્યો હતો. ભોગ બનનાર કામદારનું મોત થયું હોવાની અફવા ફેલાતા, ગત શનિવારે વહેલી સવારે કામદારોના ટોળા ભેગા થયા હતા. આ કામદારોના ટોળાને વિખેરવા માટે પહોંચેલી પોલીસ ઉપર કામદારોએ પથ્થરમારો કરી પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ કોસંબા પોલીસમાં 200 થી વધુ કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ટોળા દ્વારા કંપનીમાં જઈ કંપની બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. હાલ રાબેતા મુજબ કંપની ચાલુ છે. સીસીટીવી ફૂટેજના આધારે ઇસમોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. -- નિધિ ઠાકુર (DySP, સુરત ગ્રામ્ય પોલીસ)
પીપોદરા GIDC માં ફરી બબાલ : હવે ફરી એકવાર પાંચથી છ વાગ્યાના સમયગાળામાં શિફ્ટ બદલાય ત્યારે રજાની માંગ કરી રહેલા કામદારોનું ટોળું પીપોદરા GIDC ના સિલ્વર રાધે એસ્ટેટમાં ઘૂસી ગયું હતું. જ્યાં અલગ અલગ કંપનીઓ બંધ કરાવી કામ કરી રહેલા કામદારોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. કંપની સંચાલકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ મામલાની જાણ થતા સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસ કાફલો ખડકાયો : ગત શનિવારે પીપોદરા GIDC માં બનેલ પથ્થરમારાની ઘટનાને ગંભીરતાથી લઈ ફરી આ પ્રકારની ઘટના ન બને તે માટે સુરત જિલ્લા LCB અને SOG સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ઉપરાંત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કંપની સંચાલકો સાથે બેઠક યોજી રાબેતા મુજબ કંપની ચાલુ રાખવા જણાવ્યું હતું. ઉપરાંત અલગ અલગ કંપનીના સીસીટીવી ફૂટેજ ચેક કરી ફેક્ટરીઓ બંધ કરાવવા આવેલા લોકોની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસ તપાસ : આ સમગ્ર મામલે સુરત ગ્રામ્ય પોલીસ DySP નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે, ટોળા દ્વારા કંપનીમાં જઈ કંપની બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. હાલ રાબેતા મુજબ કંપની ચાલુ છે. સીસીટીવી ફૂટેજના આધારે ઇસમોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.