રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લઈને રાજ્ય સરકારે મોડેલ નિયમો બનાવ્યા છે. નિયમના ફાઈનલાઈઝેશન સુધી મેળાઓને વચગાળાની ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવામાં આવે છે. ત્યારે આવતીકાલથી રાજકોટમાં જન્માષ્ટમી મેળાની શરૂઆત થઈ રહી છે. જે પાંચ દિવસ સુધી ચાલશે.
લોકમેળામાં વિઘ્ન: રાજકોટના આ મેળામાં રાઇડ્સ માટે બીડ ભરનાર રાઇડસ સંચાલકે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને તેને લઇને સુનાવણી હાથ ધરાઈ હતી. પરંતુ હાઈકોટે આજે વધુ સુનાવણી હાથ ધરાતા સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિઘ્ન આવ્યું છે. હાઈકોર્ટ તરફથી ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી તંત્ર દ્વારા રાઈડ સંચાલકોને કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી છે. જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો લોકમેળા સ્થળે દોડી ગયો હતો અને રાઇડ્સની કામગીરી અટકાવી દીધી હતી.
લાકડાના ટેકે રાઈડ્સ ઉભી કરાઈ: રાજકોટના ભાતીગળ ધરોહર લોકમેળામાં ગુજરાત સરકારની એસઓપી મુજબ રાઇડ્સ લગાવવાને બદલે યાંત્રિક પ્લોટ્સ ખરીદનાર પાર્ટીએ અન્ય ધંધાર્થીઓને પ્લોટ આપી દીધા હતાં. જે બાદ 31 પૈકી એક પણ રાઇડ્સ સંચાલકે એસઓપીના નિયમ મુજબ સિમેન્ટ-કોંક્રીટનું ફાઉન્ડેશન ન ભરતા માત્ર લાકડાના ટેકા ઉપર જ રાઇડ્સ ઉભી કરી હતી. તેમજ હજુ સુધી તંત્ર સમક્ષ એનઓસી માટે આવવાને બદલે હાઇકોર્ટમાં પહોંચી જઈ મેળામાં રાઇડ્સ ચાલુ રાખવા દાદ માંગતા લોકમેળો હાઇકોર્ટ પહોંચ્યો છે. અને આજે આ મામલે હાઇકોર્ટ ફેંસલો સંભળાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ લોકોની સુરક્ષાના ભોગે નિયમમાં કોઈપણ જાતની બાંધછોડ નહીં કરવામાં આવે તેવું સ્પષ્ટ કરી લોકમેળામાં માત્ર રાઇડ્સ જ આકર્ષણનું કેન્દ્ર નહીં હોવાનું જણાવ્યું હતું.
લોકમેળા મામલે આજે સુનાવણી: આવતીકાલથી રાજકોટના રેસકોર્સ મેદાનમા પાંચ દિવસીય ધરોહર લોકમેળાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે લોકમેળો શરુ થાય તે પૂર્વે જ મેળો કાનૂની વિવાદમાં સપડાયો છે. ગુજરાત સરકારની એસઓપી મુજબ સિમેન્ટ કોન્ક્રીટના ફાઉન્ડેશન ઉભા કરવાને બદલે લાકડાના ટેકા ભરાવી મસમોટી રાઇડ્સ ઉભી કરી હતી. માત્ર સોઇલ ટેસ્ટના આધારે જમીન મજબૂત હોવાનો દાવો કરનાર રાઇડ્સ સંચાલકો વતી યાંત્રિક આઇટમોના પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા મેળામાં ફાઉન્ડેશન વગર જ રાઇડ્સ ચાલુ રાખવા મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અને તત્કાલિક સુનાવણી કરવા દાદ માંગતા હાઇકોર્ટે લોકમેળા સમિતિ સહિતના વિભાગોને નોટિસ ઈશ્યુ કરી હતી જેમાં આજે સુનાવણી યોજનાર હોવાનું જાણવા મળે છે.
તમામ રાઇડ્સ બંધ કરાઈ: બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર અને લોકમેળા સમિતિના અધ્યક્ષ પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, લોકમેળામાં લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. લોકોની સુરક્ષાના ભોગે નિયમોમાં કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકમેળામાં રાઇડ્સ જ માત્ર આકર્ષણ નથી. અન્ય આકર્ષણો પણ ઉપલબ્ધ છે અને લોકોના મનોરંજન માટે હજુ પણ અન્ય આકર્ષણો ઉમેરવામાં આવશે, સાથે જ તેઓએ લોકમેળા બાબતે હાઇકોર્ટના આદેશ મુજબ નિર્ણય લેવામાં આવશે. તેમ જણાવી સરકારની એસઓપીના પાલનને પ્રાધાન્ય આપવામાં આવશે. તેવું સ્પષ્ટ કર્યું હતું. તો ગત રાત્રીએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં મેળાની જગ્યાએ પોહ્ચ્યા હતા અને તમામ રાઇડ્સની કામીગીર બંધ કરાવી હતી.
દરમિયાન રાજકોટના લોકમેળા ઉપરાંત અન્ય બે ખાનગી મેળા સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અને અરજન્ટ સુનાવણી અંગે લોકમેળામાં તમામ 31 યાંત્રિક પ્લોટ્સ ખરીદનાર વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, અમે અમારા એડવોકેટ આશિષ ડગલી મારફતે હાઇકોર્ટમાં ન્યાયની માંગણી કરી છે. એસઓપીની જોગવાઈ મુજબ જ અમે સોઇલ ટેસ્ટ કરાવ્યા છે જે પોઝિટિવ આવ્યા હોય ફાઉન્ડેશનની કોઈ જરૂરત ન હોવાથી તંત્ર અમોને ફાઉન્ડેશન વગર રાઇડ્સ માટે મંજૂરી આપે તે માટે અમે દાદ માંગી હોવાનું તેમને જણાવ્યું હતું.