ગાંધીનગર : નિવૃત્ત IPS અધિકારી અને અમદાવાદ શહેરના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, કમલેશ આચાર્ય અને સુશ્રી રેખા શ્રીવાસ્તવ દ્વારા સહલિખિત પુસ્તક "અમદાવાદ રથયાત્રા-અ જર્ની ઓફ મિરેકલ" નું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગન્નાથ મંદિરના મહંતની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુસ્તકનું વિમોચન કર્યું હતું.
સીએમ પટેલે કર્યું વિમોચન : સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આવનારી પેઢી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ લઈ શકે તેવા અનેક ઉદાહરણો આ પુસ્તકમાંથી મળી રહેવાના છે. તેમજ આ પુસ્તક આપણી વર્ષોથી યોજાતી સાંસ્કૃતિક વિરાસત સમાન રથયાત્રાને સમજવાનો નવી પેઢી માટે ઉત્તમ દસ્તાવેજ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ અને વિરાસતને સાથે લઈને ચાલવાની વાત કરી છે. આપણે ગમે તેટલો વિકાસ કરીએ, પરંતુ સંસ્કૃતિ-વિરાસત વિનાનો વિકાસ નિરર્થક છે. માટે જ તેમણે ‘વિરાસત ભી વિકાસ ભી’નો મંત્ર આપણને આપ્યો છે.
અમદાવાદ રથયાત્રા : સીએમ પટેલ ઉમેર્યું કે, વર્ષોથી રથયાત્રા સૌના સહિયારા પ્રયાસોથી નિર્વિઘ્ને યોજાય છે, એ કોઈ ચમત્કારથી કમ નથી. સહિયારો પ્રયાસ અને મેનેજમેન્ટના ઉત્તમ ઉદાહરણ સમાન આ રથયાત્રાથી પ્રભુ જગન્નાથ પ્રત્યેની આસ્થા નવી પેઢીમાં વધુ દૃઢ થાય તેવા અનેક ઉદાહરણોથી આ પુસ્તક અવગત કરાવશે. આ પુસ્તકના પ્રસંગો અને ચમત્કારો જગતનું સંચાલન કરતી ઈશ્વરીય શક્તિ ઉપર શ્રદ્ધા-આસ્થાને બળવત્તર બનાવશે.
આસ્થા અને વ્યવસ્થાનું કેન્દ્ર : આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દર વર્ષે અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નાગરિકોની આસ્થાનું કેન્દ્ર છે. રથયાત્રાની આસ્થા અને વ્યવસ્થા દર્શાવતું એક પ્રેરણાદાયી પુસ્તક છે. અમદાવાદ રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ નાગરિકો ભગવાન જગન્નાથજીના દર્શનનો લ્હાવો લેવા આવે છે, એ લોકોની આસ્થા છે. પરંતુ આવા સમયે કાયદા સુરક્ષા, શાંતિ, સલામતી અને કાયદા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર ખડેપગે રહે છે, એ રાજ્ય સરકારની વ્યવસ્થા છે.
માનવીય ધર્મનું પ્રતિક : હર્ષ સંઘવીએ અમદાવાદ રથયાત્રા પુસ્તકના એક અધ્યાય અંગે વાત કરતા કહ્યું કે, પુસ્તકમાં લખેલી અને રથયાત્રા સાથે જોડાયેલી વસંત-રજબની વાર્તા સાચા અર્થમાં માનવીય ધર્મનું પ્રતિક છે. રથયાત્રામાં દરેક સમાજનું યોગદાન વધે, શહેરમાં શાંતિ-સલામતીના વાતાવરણનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ સાથે સોશિયલ પોલીસિંગના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ પુસ્તક માટે લેખકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.