પાટણ : રાધનપુરના રવિધામ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું દૂષિત પાણી આવતા સ્થાનિક લોકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા પીવાના પાણી બાબતે કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકો દૂષિત પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. તો દૂષિત પાણીને લઈને રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.
દૂષિત પાણીની સમસ્યા : રાધનપુર નગરમાં ભૂગર્ભ ગટર અને વિવિધ વિસ્તારોમાં પીવાના દૂષિત પાણીની બુમરાડ ઉઠવા પામી છે. ભૂગર્ભ ગટરની યોગ્ય સાફ-સફાઈ ન કરવામાં આવી હોવાના કારણે વારંવાર ગટરોના ચોક થઈને ઉભરાય છે. ગટરોનું ગંદું અને દૂષિત પાણી માર્ગો પર રેલાય છે. વગર ચોમાસે પણ રાધનપુરમાં ચોમાસા જેવો માહોલ જોવા મળે છે.
રવિધામના રહીશો પરેશાન : બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાની બુમરાડ પણ ઉઠવા પામી છે. રાધનપુરના રવિધામ વિસ્તારમાં આવેલ મસ્જિદ વાળી શેરીમાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા તંત્ર દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી ગંદુ અને દૂષિત હોય છે. આ અંગે વિસ્તારના રહીશોએ વોર્ડના નગરસેવક તેમજ નગરપાલિકાના સત્તાધીશોને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આજ દિન સુધી પીવાના દૂષિત પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.
રોગચાળો ફેલાવાની દહેશત : નળમાંથી આવતું પાણી ડહોળું અને ફીણવાળુ હોવાને કારણે તે નાહવા તેમજ અન્ય વપરાશના ઉપયોગમાં પણ લઈ શકાતું નથી. તો આ પાણીના ઉપયોગ કરીને રહીશો વારંવાર બીમાર પણ પડે છે. જેથી આ વિસ્તારમાં આવતા દૂષિત પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.