રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા થોડા મહિના અગાઉ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરાતા જ ડુંગળીના ભાવ ગગડી ગયા હતા. ખેડૂતોને ડુંગળીનો યોગ્ય ભાવ મળતો નહતો. હવે સરકારે ડુંગળીના નિકાસ પર લગાવેલા પ્રતિબંધને હટાવી દેવાની જાહેરાત કરી છે. જો કે આ અંગે સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું નોટિફિકેશન બહાર નહિ પાડવામાં આવતા ખેડૂતો તેમજ વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. સરકાર યોગ્ય નિર્ણયની રજૂઆત કરે અને ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડે તેવી માંગણી ખેડૂતો, વેપારીઓ અને કોંગ્રેસ આગેવાનો કરી રહ્યા છે.
ઓફિશિયલ નોટિફિકેશનની માંગણીઃ કેન્દ્ર સરકારની ડુંગળી નિકાસ પર છૂટ આપી છે પણ નિકાસ પર છુટ માટેનું સરકાર તરફથી નોટિફિકેશન બહાર પાડવામા આવેલ નથી. આ જાહેરાતની અમલવારી પણ કરવામાં આવેલ નથી. વેપારીઓ અને ખેડૂતોનુ કહેવું છે કે, આ નિકાસ પર છુટની જાહેરાતની અમલવારી ન થતા મૂંઝવણ ઊભી થઈ છે. અમલવારી ન થતા ડુંગળીના ભાવ ફરીવાર સાવ તળીએ જઇ રહ્યા હોવાનું ખેડૂતો અને વ્યાપરીઓ જણાવે છે.
સરકારની જાહેરાત લોલીપોપ સમાનઃ ખેડૂતો પાસેથી વેપારીઓ હાલ ડુંગળીની ખરીદી શરુ કરી દીધી છે. જો કે આ ડુંગળીનુ શું કરવું એ બન્ને માટે એક મોટો પડકારજનક પ્રશ્ર છે. જેથી વેપારીઓ અને ડુંગળી પકવતા ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યા છે. જેથી આ અંગે ધોરાજી કોંગ્રેસ પ્રમુખ અને આગેવાન એવો આક્ષેપ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકારની ડુંગળીના નિકાસ પર છુટની જાહેરાત લોલીપોપ સમાન છે. ખેડૂતોની મશ્કરી કરી હોય તેવુ જણાવેલ પરિણામે ડુંગળીની નિકાસ પર છુટની જાહેરાતની તાત્કાલિક અમલવારી નહી થાય તો વેપારીઓ અને ખેડૂતોને પુષ્કળ પ્રમાણમા નુકસાન થશે તેમ પણ જણાવેલ છે.
અત્યારે અમને 250 રુપિયા મળે છે અગાઉ 400 રુપિયા મળતા હતા. નિકાસબંધી દૂર કરી છે પણ અમે મુંઝવણમાં છીએ...કાન્તાબેન(ખેડૂત, ધોરાજી)
સરકારને વિનંતી છે કે વેપારીઓ માટે તાત્કાલિક ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરે. જેના પરિણામે અત્યારે અને અગાઉ ખરીદ કરેલ ડુંગળીનું શું કરવું તે ખબર પડે...સુરેશ રાબડીયા(વેપારી, ધોરાજી)
કેન્દ્ર સરકારની ડુંગળીના નિકાસ પર છુટની જાહેરાત લોલીપોપ સમાન છે. ખેડૂતોની મશ્કરી કરી હોય તેવુ જણાવેલ પરિણામે ડુંગળીની નિકાસ પર છુટની જાહેરાતની તાત્કાલિક અમલવારી નહી થાય તો વેપારીઓ અને ખેડૂતોને પુષ્કળ પ્રમાણમા નુકસાન થશે...દિનેશ વોરા(પ્રમુખ, ધોરાજી શહેર કોંગ્રેસ)
ધોરાજીના ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર