અમદાવાદઃ સરસપુર રણછોડજી મંદિરે આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન શુભદ્રાનું મામેરું ભરાયું હતું. આ મામેરામાં ભગવાન જગન્નાથ માટેના વસ્ત્રો અને ઘરેણાં મૂકવામાં આવે હતા. આ વર્ષે પ્રજાપતિ યજમાનને મામેરું હાથી અને મોરની થીમ પર ભરવામાં આવ્યું હતું.
ભવ્ય મામેરુંઃ આજે સરસપુર સ્થિત રણછોડજી મંદિરે ભગવાનનું ભવ્ય મામેરું યોજાયું હતું. રણછોડજી મંદિર પરિસર અને આખોય વિસ્તાર જગન્નાથમય બની ગયો હતો. જેની મામેરાના યજમાન પ્રજાપતિ ભકતો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજર રહી ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. ભગવાન માટે મુકાયેલા ભવ્ય મામેરાના દર્શન માટે દૂરદૂરથી ભકતો ઉમટી પડ્યા હતા.
સામૈયા માટે જવેરાની વાવણીઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભગવાનનાં મામેરાનાં યજમાનના ઘરે સામૈયા માટે જવેરા વાવવામાં આવ્યા છે. આ વખતે સાબરકાંઠાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિના ઘરે મામેરાનો શુભ અવસર આવ્યો છે. જેથી તેમનો પરિવાર પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યો છે. સામૈયા માટે જવેરા વાવતા વસ્ત્રાલમાં રહેતા વિનોદભાઈના ઘરે ખુશીનો માહોલ છે. વિનોદભાઈએ જણાવ્યું હતું કે, 42 ગોરનાં પ્રજાપતિ પરિવારને મામેરાનું નોતરું પણ આપવામાં આવ્યું છે.