વાપી/સેલવાસ/દમણ: વલસાડ જિલ્લાના વાપીમાં અને સંઘપ્રદેશ સેલવાસ, દમણમાં અષાઢી બીજના દિવસે નીકળેલ ભગવાન જગન્નાથજી ની નગરચર્યા ના રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ સ્થળે ભગવાનના રથમાં સૌ પહેલા પહિંદ વિધિ કરી આરતી કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી નો નાદ ગજાવ્યો હતો. તો, ઓરિસ્સાવાસીઓએ પોતાની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતાં.
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો હિન્દૂ તહેવાર એટલે રથયાત્રા, આમ તો દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા મંદિરમાં ભગવાન પાસે જવું પડે છે, પરંતુ અષાઢી બીજના રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્ત પાસે જાય છે, અને ભક્ત ભગવાનનો રથ ખેંચીને પોતાને ધન્યભાગી સમજે છે, જે પરંપરા અનુસાર વલસાડ જિલ્લાના વાપીમાં અને સેલવાસ, દમણમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર, બહેન શુભદ્રાની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. પરંપરાગત વાજિંત્રોની ધૂન પર ભક્તોએ જય જગન્નાથના નાદ થી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું.
વાપીમાં 14 વર્ષથી દર અષાઢી બીજે રથ યાત્રાનું અયોજન કરતા શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડુંગરા ખાતેથી ચણોદ સુધી શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાની નગરચર્યા માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા જગન્નાથ પુરીમાં જે રીતે ઉત્સવરૂપે મનાવાય છે. જે પરંપરા છે તે મુજબ ભગવાન રથમાં સવાર થઈ ને માસી માં ના મંદિરે જાય છે. જ્યાં તે 7 દિવસ રહેશે જે બાદ ફરી 7માં દિવસે બહુડા યાત્રા યોજવામાં આવશે. અને ભગવાનને પરત મુખ્ય જગન્નાથજી મંદિરમાં લાવી સ્થાપિત કરવામાં આવશે.
વાપીમાં આયોજિત ભગવાન જગન્નાથજી ના રથને સ્થાનિક આગેવાનો, ભક્તો અને પોલીસ જવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હોય, રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગે યાત્રાના આખા રુટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
એ જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમા પણ જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગર યાત્રાએ નીકળ્યા હતા. રથયાત્રાની શરુઆત ઉપસ્થિત અતિથિઓના હસ્તે પૂજા અર્ચના અને આરતી કરી રથયાત્રાની શરુઆત કરાઇ હતી. આ યાત્રા જલારામ મંદિર, બાવીસા ફળિયા, જગન્નાથ સેવા સમિતિ દ્વારા રથ યાત્રા કાઢવામા આવી હતી. જેનુ પ્રસ્થાન પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટીના હસ્તે કરવામા આવ્યુ હતુ.
બાલદેવી જગન્નાથ કલચરલ સમિતિ દ્વારા આયોજિત રથયાત્રા યાત્રા બાવીસા ફળિયાથી નીકળી કિલવણી નાકા, ઝંડા ચોક, આમલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ હતી. આ રથયાત્રા દરમિયાન બાવીસા ફળીયા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરતા કોમીએકતાનું વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત મુસ્લિમ સમાજ દ્વારા પાણી અને કેળાની વહેચણી પણ કરવામાં આવી હતી.
આ તરફ સંઘ પ્રદેશ દમણમાં પણ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. સંઘપ્રદેશ દમણમાં પણ ભગવાન જગન્નાથજી તેમના ભાઈ-બહેન સાથે નગરયાત્રાએ નીકળ્યા હતાં. જેના દર્શન કરવા દમણના મુખ્ય રથયાત્રા રૂટ પર ભક્તોની ભીડ જોવા મળી હતી. જેમણે નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથ પરિવારનો રથ ખેંચીને પુણ્યનો લહાવો પ્રાપ્ત કર્યો હતો.
દમણના તીન બત્તી સ્થિત જલારામ મંદિરેથી નીકળેલી આ રથ યાત્રા સત્યનારાયણ મંદિર, વિદ્યુત વિભાગ, દમણ ચાર રસ્તા, ટેક્સી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, ધોબી તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં વિચરીને જલારામ મંદિરે પરત ફરી હતી, દમણમાં અષાઢી બીજના ભગવાન જગન્નાથજી ભક્તોને મળવા નીકળ્યા હોય સાંસદ સહિતના રાજકીય આગેવાનોએ શણગારેલા રથને રસ્સી વડે ખેંચી જય જગન્નાથ નો નાદ ગજાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજના વાપીમાં અને સેલવાસ, દમણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વાપી અને દમણમાં દેશના અલગ અલગ રાજ્યમાંથી આવેલા લોકો સ્થાયી થયા છે. જેઓ રથયાત્રાના આ આયોજન દરમ્યાન ઉત્સાહભેર જોડાયા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી મગ સહિતનો પ્રસાદ ગ્રહણ કરી સમગ્ર દેશના લોકો નિરોગી રહે આરોગ્ય પ્રદ રહે, દેશનો વિકાસ થાય, લોકો ભાઈચારાથી રહે તેવી પ્રાર્થના કરી હતી.