વડોદરાઃ બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં ગેંગ રેપની ઘટના સામે આવી હતી. તે બાદ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) દ્વારા આરોપીઓને ફાંસી આપવાની માંગ મુકવામાં આવી હતી અને તે મામલે કોઇ પણ પક્ષાપક્ષીથી ઉપર મળીને બહેન - દીકરીઓને ન્યાય અપાવવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. તે ઘટના બાદ ગુજરાતમાં અનેક જગ્યાએ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જે અંગે તેમણે દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઇએ તેવી અપીલ મીડિયાના માધ્યમથી તેઓ કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં પહેલીવાર દીકરીઓને બહાર મોકલતા ગભરાવવું પડે તેવી સ્થિતિ જોઈ છે.
આવા દુષ્કર્મીઓને એન્કાઉન્ટર કરવા જોઈએ
હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે રાત્રિના સમય દરમિયાન દિકરીઓ ગરબે ઘુમવા માટે જતી હોય છે. ત્યારે હવા દુષ્કર્મીઓનો લાભ લેતા હોય છે એને કારણે વડોદરા જેવી સંસ્કારી નગરીને માટે કલંક બની છે. રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનામાં આરોપીઓને સખતમાં સખત સજા મળે તે માટે પોલીસ તંત્ર દિવસ-રાત એક કરી રહ્યું છે ત્યારે વડોદરાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ પ્રકારના કિસ્સાઓમાં આરોપીઓને સજા અંગે મોટું નિવેદન મીડિયા સમક્ષ કર્યું છે. શૈલેષ મહેતાએ જણાવ્યું છે કે, આ ઘટનાઓ દુઃખદ છે. ગુજરાત માટે તો ખાસ. આ બધી જ ઘટનાઓ પાછળ પરપ્રાંતીય લોકો પકડાયા છે ત્યારે મારા અંગત વિચારોમાં આવા લોકોનું એન્કાઉન્ટર કરવા માટે પોલીસને છૂટ આપવી જોઇએ.