મહેસાણા: મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવારનું નામ જાહેર થયાને બે દિવસ થયા છે ને ઉમેદવાર વોટ સાથે નોટની અપીલ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. મહેસાણા લોકસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર વોટ સાથે નોટની પણ અપીલ કરી રહ્યા છે. મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરનું નિવેદન હતું કે, હું ગરીબ પરિવારનો દીકરો છું. કોંગ્રેસ પાર્ટીએ એક ગરીબના દીકરાને ટિકિટ આપી છે. હું મહેસાણા લોકસભાની જનતાને અપીલ કરું છું કે મને યથાશક્તિ ફાળો અને વોટ આપે.
વોટ સાથે નોટ: વોટ સાથે મને નોટ પણ આપો ... આ નિવેદન છે મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરનું. મહેસાણા ભાજપના ઉમેદવાર છેલ્લા 15 દિવસથી પ્રચારમાં જોતરાઈ જઈ અડધો પ્રચાર પૂરો પણ કરી દિધો છે. ત્યાં બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયાના હજુ બે દિવસ પણ થયા નથી એટલે કે પ્રચાર શરૂ કરવાની શરૂઆતમાં જ તે લોકો પાસે વોટ સાથે નોટ પણ માંગી રહ્યા છે. મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર લોકો પાસે અનોખી અપીલ કરી રહ્યા છે કે મને વોટ તો આપજો પણ ચુંટણી લડવા નોટ પણ આપશો. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર દ્વારા સોશિયલ.મીડિયામાં પોસ્ટર થકી અપીલ પણ કરાઈ છે કે, ડિપોઝિટ ભરવા ચાંદલાના ભાગરૂપે ઓછામાં ઓછા 11 રૂપિયા અને વધુમાં વધુ યથાશક્તિ પ્રમાણે મદદ કરવા વિનંતી કરાઈ છે. આ માટેના પોસ્ટર બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા છે. આમ કોંગ્રેસના ઉમેદવારની વોટ સાથે નોટની પણ અપીલ હાલમાં ચર્ચાસ્પદ બની છે.