ભાવનગર : ભારતમાં અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે ભાવનગર શહેરમાં 22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામના 222 ચિત્રોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારોએ માત્ર ભગવાન રામના ચિત્રોનું સર્જન કરીને પ્રદર્શનમાં પોતાની ભાવનાને વ્યક્ત કરી હતી. ભગવાન રામના જીવન પ્રસંગોને કલાકારો દ્વારા ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા.

રામ ચિત્રોનું પ્રદર્શન : રામ જન્મભૂમિ ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની સાથે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. ત્યારે ભાવનગરના કલાકારો દ્વારા અનોખું નજરાણું પીરસવામાં આવ્યું છે. બે દિવસ ચાલનાર ચિત્ર પ્રદર્શનના આયોજક અજય ચૌહાણે જણાવ્યું હતું કે, ભાવનગરની બે સંસ્થા ક્ષિતિજ આર્ટ અને ત્રિવિધ આર્ટ દ્વારા રાજ્ય, દેશ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારોના 222 જેટલા પેઈન્ટીંગ રજૂ કરવામાં આવ્યા છે. માત્ર ભગવાન રામના જીવન પ્રસંગોના ચિત્રો જ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ચાર ચિત્રો કેનેડાના કલાકારો દ્વારા મોકલવામાં આવ્યા છે.

222 ચિત્રકારોની કલાકારી : ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં 222 ચિત્રકારોના માત્ર ભગવાન રામના 222 ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ત્યારે પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર કલાકારો પૈકી જૂનાગઢના હિતેન્દ્ર નાગાણી જણાવ્યું હતું કે, ચિત્રમાં ચિત્રકારો અલગ અલગ પેટર્ન ઉપર વિચારતા હોય છે, તો મારું ચિત્ર મોરલ આર્ટ ઉપર છે. આજે મોરલ આર્ટ ગુજરાતમાં ઓછું જોવા મળે છે, માટે મોરલ આર્ટ ઉપર ચિત્ર બનાવ્યું છે. કલ્પના એવી હતી કે રામની પ્રાણ પ્રતિષ્ઠા છે તો ચિત્ર એવું હોય કે જ્યારે કોઈ તેની સામે આવીને ઊભું રહે તો ચિત્ર ખુદ બોલવું જોઈએ. આ મારો પ્રયાસ હતો.

કલાકારની અદ્ભુત કલ્પના : સમગ્ર દેશ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભાવનગરમાં કલાકારોએ પોતાની કલ્પનાને આધારે ભગવાન રામના જીવન પ્રસંગોને મિત્ર મારફત રજૂ કર્યા છે. ચિત્ર પ્રદર્શનમાં ભાગ લેનાર મૂળ અમદાવાદના લીનાબેન સોનીએ જણાવ્યું હતું કે, ભગવાન રામ અને સીતા માતા જ્યારે વનમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેમને એક સોનમૃગ જોયું અને પોતાના યોદ્ધા ભગવાન રામની ઈચ્છા રાખે તેવી એક કલ્પના સાથે મેં અહીં ચિત્ર બનાવ્યું છે. જેમાં ભગવાન વૃક્ષના થડ પર બેઠા હોય અને સીતાજી તેમની પાસે બેઠા હોય તથા રામના હાથમાં ધનુષ અને તીર હોય તેવી મુદ્રામાં છે.